રાજકોટમાં દિવાળી અને તહેવારોની મોસમ પૂર્વે અગ્નિકાંડની વધુ એક મોટી ઘટના સામે આવી છે. શહેરના ધમધમતા મોરબી રોડ પર આવેલા જાણીતા ગિરિરાજ પાર્ટી પ્લોટ પાછળ સ્થિત એક મંડપ સર્વિસના વિશાળ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડ, વાંસ, લાકડાં અને ફર્નિચર જેવો જ્વલનશીલ સામાન સંગ્રહાયેલો હોવાથી જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ગિરિરાજ પાર્ટી પ્લોટ પાછળ આગ લાગતાં આસપાસના લોકોમાં નાસભાગ
બનાવની વિગતો અનુસાર મોરબી રોડ પર ગિરિરાજ પાર્ટી પ્લોટની પાછળ આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાંથી એકાએક ધુમાડાના ગોટેગોટા નીકળવાની શરૂઆત થઈ હતી.મંડપ ડેકોરેશનના પડદા, ગાદલાં, ફોમ અને લાકડાના કારણે આગ લાઈટ સ્પીડે સમગ્ર પરિસરમાં ફેલાઈ ગઈ હતી.આગની વિકરાળ જ્વાળાઓ જોઈને આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ પોતાના મકાનો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક એક્શન લેવાયા હતા.નજીકના ફાયર સ્ટેશનોમાંથી તાબડતોબ ફાયર ફાઈટરો અને વોટર બાઉઝર સહિત કુલ 4 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર જવાનોએ ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું.કલાકોની ભારે જહેમત અને કૂલિંગ પ્રક્રિયા બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
સદનસીબે જાનહાનિ ટળી
આગની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે રોડ પરનો ટ્રાફિક ક્લિયર કરાવીને ફાયર બ્રિગેડની ગાડીઓને સરળ રસ્તો કરી આપ્યો હતો.સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો મંડપ ડેકોરેશનનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
