IND vs WIની ટક્કરમાં બન્યો T20 ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ

📅 Published: October 18, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી ભલે 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ હોય, પરંતુ આ સિરીઝે ક્રિકેટ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ભલે શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં વરસાદમાં ધોવાઈ ગઈ, પરંતુ આખી સિરીઝ દરમિયાન બંને દેશોના પાવર-હિટર્સે મેદાન પર સિક્સરનો એવો વરસાદ કર્યો કે જૂના અનેક રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા. આ આખી શ્રેણીમાં બંને ટીમોએ મળીને કુલ 105 છગ્ગા ફટકાર્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર ચોથી એવી દ્વિપક્ષીય શ્રેણી છે જેમાં 100થી વધુ સિક્સર ફટકારવામાં આવી હોય.

રાંચીમાં જોવા મળી હતી સિક્સરની અદ્ભુત રમઝટ

આ શ્રેણીમાં બેટ્સમેનો શરૂઆતથી જ વિસ્ફોટક મૂડમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં સિક્સરનો પૂર આવ્યો હતો. આ હાઈ-સ્કોરિંગ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ મળીને કુલ 33 છગ્ગા ફટકાર્યા હતા. આ જ રોમાંચક મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે 250 રનનો પહાડ જેવો મોટો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કરીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું.

એક T20 શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ કોના નામે છે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીમાં 105 છગ્ગા નોંધાયા છે અને તે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. આ શાનદાર યાદીમાં ટોચની ચાર શ્રેણીઓ આ મુજબ છે

• 120 છગ્ગા: ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (2023-24)

• 117 છગ્ગા: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ

• 116 છગ્ગા: ભારત અને ન્યૂઝીલેન્ડ

• 105 છગ્ગા: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (તાજેતરની શ્રેણી)

વેસ્ટ ઈન્ડિઝના પાવર-હિટર્સે ફટકાર્યા સૌથી વધુ 57 છગ્ગા

આ શ્રેણીમાં સિક્સર કિંગ તરીકે કેરેબિયન બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો.વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચમાં કુલ 57 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ભારતીય બેટ્સમેનોએ 48 છગ્ગા નોંધાવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે શ્રેણીની આખરી મેચ વરસાદને કારણે રદ થતાં વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ કરવાની તક પણ મળી નહોતી,તેમ છતાં સિક્સર ફટકારવાના મામલે કેરેબિયન ટીમ ભારત કરતા ઘણી આગળ રહી હતી. ખાસ કરીને રાંચી T20માં વિન્ડીઝના બેટ્સમેનોએ એકલા હાથે 20 છગ્ગા ફટકારીને ભારતીય બોલિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી.

શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડે મચાવી દીધી તબાહી

વ્યક્તિગત રીતે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડ ટોપ પર રહ્યા હતા. શાઈ હોપે વિસ્ફોટક બેટિંગ કરતા શ્રેણીમાં સૌથી વધુ 20 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રધરફોર્ડે 15 છગ્ગા નોંધાવ્યા હતા. એટલે કે આ બે જ બેટ્સમેનોએ મળીને 35 છગ્ગા ફટકારી દીધા હતા. બીજી તરફ, ભારતીય ટીમ તરફથી શ્રેયસ અય્યર, અભિષેક શર્મા અને સંજુ સેમસન સિક્સર ફટકારવામાં આગળ રહ્યા હતા અને ત્રણેય ખેલાડીઓએ શ્રેણીમાં 9-9 છગ્ગા નોંધાવ્યા હતા.

આ પણ વાંચો – Narendra Hirwaniનો અતૂટ વર્લ્ડ રેકોર્ડ! ડેબ્યૂ ટેસ્ટમાં 16 વિકેટ, 38 વર્ષથી કોઈ તોડી શક્યું નથી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *