Surat News: મોઢામાંથી અંગારા અને આંખોમાંથી આગની જ્વાળા નીકળશે,વેસુમાં 80 ફૂટના રાવણનું થશે દહન

📅 Published: October 18, 2026 | 📂 Category: Surat

સુરતના વેસુ ખાતે આયોજિત થનારા રાવણ દહનના કાર્યક્રમમાં સામાજિક સૌહાર્દ અને કોમી એકતાનું અનોખું તેમજ પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છે.હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા વિજયાદશમી પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશના આગરાથી ખાસ બોલાવવામાં આવેલા 15 જેટલા કુશળ મુસ્લિમ કારીગરો દ્વારા આ તમામ પૂતળાં બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.તેમની આ નિષ્ઠાવાન મહેનત ધર્મ અને સંપ્રદાયના ભેદભાવ ભૂલીને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલા આ ભવ્ય પ્રોજેક્ટમાં મુખ્ય આકર્ષણ 80 ફૂટ ઊંચો રાવણ રહેશે.જેના વિશાળકાય પૂતળાને કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

 વાસ્તવિક અને પ્રભાવશાળી દેખાવ અપાયો

રાવણની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાદનાં પણ 60-60 ફૂટ ઊંચાં વિરાટ પૂતળાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ કાર્યમાં જોડાયેલા કારીગરો છેલ્લા ઘણા દિવસોથી સતત પરિશ્રમ કરી રહ્યા છે.કારીગરો દ્વારા પરંપરાગત કળા અને અદ્યતન નિર્માણ શૈલીનો સુંદર સમન્વય કરીને આ વિશાળ પૂતળાં બનાવવામાં આવી રહ્યા છે.જે દશેરાના દિવસે સમગ્ર સુરત શહેરના નાગરિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વખતે તૈયાર કરવામાં આવી રહેલા રાવણના પૂતળામાં કેટલાક વિશિષ્ટ કલાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે.જે તેને ભૂતકાળ કરતાં તદ્દન અલગ અને વધુ આકર્ષક બનાવશે.દર વર્ષે જોવા મળતી સામાન્ય કાર્ટૂન જેવી આકૃતિઓને બદલે આ વખતે રાવણને માનવ શરીર જેવો વાસ્તવિક અને પ્રભાવશાળી દેખાવ આપવામાં આવી રહ્યો છે.તેને એક સાચા પરાક્રમી રાજા જેવો અંદાજ આપવા માટે ભવ્ય રાજાશાહી પોશાક,પરંપરાગત ધોતી અને પગમાં ખાસ કાળી મોજડી પહેરાવવામાં આવશે.

રિમોટ કંટ્રોલની મદદથી ચારેય તરફ ફરશે

રાવણના શરીર પર પ્રાચીન યોદ્ધા જેવું મજબૂત સુરક્ષા કવચ પણ સજાવવામાં આવી રહ્યું છે.જેથી તેનો દેખાવ અત્યંત પ્રભાવક અને આબેહૂબ જણાય.કલાકારો દ્વારા પૂતળાના ચહેરા અને શરીરના તમામ અંગોના પ્રમાણનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત રામલીલા સમિતિ દ્વારા આ વર્ષે મેદાનમાં નિર્માણ થનારી અસુરોની સોનાની લંકાનું કદ પણ અગાઉના વર્ષોની સરખામણીએ ઘણું મોટું રાખવામાં આવ્યું છે.આ વિશાળ લંકાનગરીનું નિર્માણ પણ હવે આખરી તબક્કામાં છે. જે દહનના સમયે અદભુત દૃશ્ય ઊભું કરશે.દશેરાના દિવસે રાવણ દહનની પ્રક્રિયા દરમિયાન લોકોને અનેક અદભુત ટેકનિકલ આકર્ષણો નિહાળવા મળશે.જે સમગ્ર કાર્યક્રમને અત્યંત રોમાંચક બનાવશે.દહન પ્રક્રિયા દરમિયાન રાવણના માથા પર સ્થાપિત કરવામાં આવેલી છત્રી ખાસ રિમોટ કંટ્રોલની મદદથી ચારેય તરફ ફરશે.જે દર્શકો માટે અનોખું દૃશ્ય બનશે. 

આંખોમાંથી ધગધગતી આગની જ્વાળાઓ પ્રગટશે

વિશેષ તકનીકી આયોજન થકી રાવણની આંખોમાંથી ધગધગતી આગની જ્વાળાઓ પ્રગટશે તેના મોઢામાંથી લાલચોળ અંગારા વરસશે અને બંને કાનમાંથી કાળો ધુમાડો નીકળતો હોય તેવા જીવંત દૃશ્યો સર્જવામાં આવશે.રાવણના વધ સમયના પૌરાણિક પ્રસંગને જીવંત કરવા તેની નાભિમાંથી અમૃતવર્ષા થતી હોય તેવો નજારો પણ ઊભો કરાશે.પૂતળાંની અંદર ખાસ પ્રકારના શક્તિશાળી ગોળા ફીટ કરવામાં આવ્યા છે,જેથી દહન વખતે તેનો પ્રચંડ અવાજ દૂર-દૂરના વિસ્તારો સુધી ગૂંજતો સંભળાશે. સુરતના વેસુ સ્થિત વિશાળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં આકાશને અજવાળતી ભવ્યાતિભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કરાશે, જેને જોવા માટે હજારોની જનમેદની ઉમટી પડશે તેવી આશા છે અને તેના માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમ સુરતવાસીઓ માટે યાદગાર બનશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: તમિલનાડુના નાગપટ્ટનમથી શ્રીલંકા ડ્રગ્સ મોકલવાનું ષડયંત્ર નિષ્ફળ, ચાર આરોપીઓની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *