મોરબીના રાજમાતા વિજયાકુંવરબા સાહેબનું નિધન:97 વર્ષની વયે મુંબઈમાં અવસાન, મોરબીમાં અંતિમ સંસ્કાર; ગુરુવારે બેસણું

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

મોરબીના રાજમાતા મહારાણી વિજયાકુંવરબા સાહેબનું ૯૭ વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમનો પાર્થિવ દેહ મોરબી લાવવામાં આવ્યો હતો. રાજવી પરંપરા મુજબ, ન્યૂ પેલેસથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. વિસીપરા ધોળેશ્વર સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા. આ અંતિમયાત્રામાં વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને રાજકોટ સ્ટેટના માંધાતાસિંહજી જાડેજા સહિત ઘણા રાજવી પરિવારોના સભ્યો જોડાયા હતા. રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનોએ રાજમાતાને અંતિમ વિદાય આપી હતી. કાંતિભાઈ અમૃતિયા અને માંધાતાસિંહજીએ રાજમાતાના પ્રજાહિતના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાજમાતા શિક્ષણ, આરોગ્ય અને પશુસેવા સહિત શહેરના વિકાસ માટે હંમેશા વિચારતા હતા. મોરબી પાંજરાપોળ માટે રાજવી પરિવારે ૪,૫૦૦ વીઘા જમીન આપી હતી. રાજમાતાનું બેસણું ગુરુવારે યોજાશે. રાજકોટ સ્ટેટના માંધાતાસિંહજી જાડેજાએ રાજમાતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબી પર ૧૯૭૯ની મચ્છુ ડેમ હોનારત, ૨૦૦૧નો ભૂકંપ અને ૨૦૨૨ની ઝૂલતા પુલ દુર્ઘટના જેવી આપત્તિઓ આવી ત્યારે રાજમાતા અને મોરબી રાજપરિવારે પીડિતોની મદદ માટે આગળ આવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. માંધાતાસિંહજીએ મોરબીના ઐતિહાસિક સ્થાપત્યો અને રાજવી પરિવારના પ્રજાવત્સલ અભિગમનો ઉલ્લેખ કરતાં મોરબી અને રાજકોટ રાજપરિવાર વચ્ચેના ઐતિહાસિક, આત્મીય અને સ્નેહભર્યા સંબંધોને પણ યાદ કર્યા હતા. અંતમાં તેમણે રાજવી પરિવારના સભ્યો અને મોરબીવાસીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિવંગત રાજમાતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મોરબી રાજમાતા વિજયકુંવરબા સાહેબને આજે અંતિમ વિદાય અપાઈ હતી અને સમગ્ર મોરબી વાસીઓ માં શોક પ્રસરી ગયો છે.ઠેરઠેર શહેરીજનો દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને હવે ધોળેશ્વર સ્મશાન ખાતે તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે અને તેઓનું બેસણું તારીખ ૨૨/૧૦/૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી ન્યૂ પેલેસ મોરબી ખાતે રાખેલ છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *