તમિલનાડુના દરિયાકાંઠે આવેલા નાગપટ્ટનમ વિસ્તારમાંથી DRI દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ડ્રગ્સની હેરાફેરીના દરિયાઈ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.તપાસ એજન્સીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.જેમાં કેફી દ્રવ્યોની હેરાફેરી કરતાં અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવાઈ હતી.આ સપાટા દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી કુલ 137 કિલો જેટલો શુદ્ધ ક્રિસ્ટલ મેથનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે. જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થની બજાર કિંમત રૂ.100 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
સામગ્રીમાં વીંટાળેલાં કુલ 27 પેકેટ મળી આવ્યાં
દરિયામાં જ્યારે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ગુપ્ત રીતે સંતાડીને રાખવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. છ જેટલી ડફલ બેગની બારીકાઈથી તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિક અને અન્ય સામગ્રીમાં વીંટાળેલાં કુલ 27 પેકેટ મળી આવ્યાં હતાં.જેમાં ક્રિસ્ટલ મેથ ખૂબ જ સાવચેતીપૂર્વક પેક કરવામાં આવ્યું હતું જેથી સામાન્ય રીતે કોઈને ગંધ ન આવે.પકડાયેલા શખ્સો સમુદ્ર માર્ગનો ઉપયોગ કરીને આ ડ્રગ્સનો મોટો જથ્થો ભારતના દરિયાઈ સીમાડા પાર કરાવીને પાડોશી દેશ શ્રીલંકા પહોંચાડવાની પેરવી કરી રહ્યા હતા.
ષડયંત્રને તપાસ એજન્સીએ નિષ્ફળ બનાવી દીધું
આ માટે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મિડ-સી ટ્રાન્સફર એટલે કે ખુલ્લા સમુદ્રની વચ્ચે માલની અદલાબદલી કરવાની એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી હતી. મિડ સી ટ્રાન્સફર દ્વારા માલ સરળતાથી શ્રીલંકાના ડ્રગ્સ માફિયા સુધી પહોંચાડી શકાય તેવો આરોપીઓનો મનસૂબો હતો.સમુદ્ર માર્ગે શ્રીલંકા ડ્રગ્સ મોકલવાના આ મોટા ષડયંત્રને તપાસ એજન્સીએ નિષ્ફળ બનાવી દીધું હતું. આ સમગ્ર મામલે કાર્યવાહીને આગળ ધપાવતાં એજન્સી દ્વારા ડ્રગ્સના આ વિશાળ જથ્થા સાથે સીધી રીતે સંકળાયેલા ચાર આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી છે.હેરાફેરી કરવાના હેતુથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં વાહનો પણ અધિકારીઓ દ્વારા સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યાં છે.આરોપીઓના રહેઠાણ અને ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવતાં ત્યાંથી રૂ.10 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી.
