સુરત પોલીસ બેડા અને સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ જ દારૂની હેરાફેરી કરતા નવસારી જિલ્લામાંથી ઝડપાઈ ગયા છે. નવસારી એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે પર સઘન વોચ ગોઠવીને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલા સુરત ટ્રાફિક પોલીસના 4 કર્મચારીઓ સહિત કુલ 5 શખ્સોને રસ્તામાં જ આંતરી લીધા હતા.
ફિલ્મી ઢબે પીછો કરી પાંચેય આરોપીઓની ધરપકડ
નવસારી LCB ની ટીમે જ્યારે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ બચવા માટે પોલીસની ટીમ પર જ હુમલો કરી દીધો હતો. કારમાં સવાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં લઈને નવસારી LCB ના જવાન પર લાઠી વડે હુમલો કરી દીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, LCB ની ટીમે સહેજ પણ ડર્યા વગર ફિલ્મી ઢબે કારનો પીછો કરી તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુરત ટ્રાફિક પોલીસના કર્મચારી રાહુલકુમાર ધ્રાંગી, અંકિત દેવડા, પીન્ટુ ડુંગાઇસા અને દિતા ચૌહાણનો સમાવેશ થાય છે.
રાયોટિંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
પોલીસે અટકાયત બાદ કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની કુલ 64 બોટલો મળી આવી હતી. નવસારી LCB એ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 5,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોતાની જ ખાખી વર્ધીને દાગ લગાડનાર સુરત ટ્રાફિક પોલીસના આ ચારેય કર્મચારીઓ અને તેમના સાથીદાર સામે નવસારી પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટિંગ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર કલમો નોંધી આગળની આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
