DGVCLના વીજબીલથી સુરત મનપાની સીલીંગ પ્રક્રિયાનો ભાંડો ફૂટ્યો:ત્રણ વર્ષથી સીલ રહેલી ફેક્ટરીઓના હજારો રૂપિયાના બિલ આવ્યા, અધિકારીઓના ગલ્લાતલ્લા

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને સુરત મનપાએ સીલ તો કરી દીધી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સીલ કરાયા બાદ પણ આ સીલ યુનિટોમાં લાખો રૂપિયાના વીજળી બિલ આવી રહ્યા છે. હવે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો સુરત મનપાએ ખરેખર સીલિંગની કામગીરી કરી છે, તો પછી સીલ કરાયેલા બંધ યુનિટમાં કઈ રીતે લાખો રૂપિયાના વીજળી બિલ આવી શકે? પાલિકાના આ ભ્રષ્ટ કારભારનો ખુલાસો કોઈ અન્યએ નહીં, પરંતુ ત્રસ્ત થયેલા સ્થાનિક લોકોએ પોતે સ્ટિંગ ઓપરેશન કરીને કર્યો છે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા પર્દાફાશમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બહારથી તમામ યુનિટના શટર ડાઉન છે અને તાળા ઉપર સુરત મનપાનું સીલ પણ લાગેલું છે. પરંતુ અંદરના ભાગે એમ્બ્રોઇડરીના કારખાના પૂરજોશમાં ધમધમી રહ્યા છે અને બહાર રસ્તા સુધી મશીનો ચાલુ હોવાનો અવાજો સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. વરાછા ઝોન-Aના ભ્રષ્ટ વહીવટનું ‘સીલિંગ’ નાટક
સુરત મનપાના પૂર્વ (વરાછા) ઝોન-Aના ભ્રષ્ટ અને લાપરવાહ વહીવટનો આ સૌથી ચોંકાવનારો કિસ્સો સાણિયા હેમાદ વિસ્તારમાંથી સામે આવ્યો છે. રહેણાંક ઝોનની અંદર ધમધમતા ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે પાલિકા તંત્રએ સ્થાનિકોની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર ‘સીલિંગ’નું નાટક જ કર્યું હોવાનું સાબિત થયું છે. મનપાના સત્તાવાર ચોપડે જે મિલકતો વર્ષોથી સીલ થઈ ચૂકી છે, તે જ મિલકતોમાં સીલની આડમાં રાત-દિવસ ભારેખમ મશીનરીઓ ચાલી રહી છે. આ કોઈ પાયાવિહોણા મૌખિક આક્ષેપો નથી, પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા દર મહિને ફટકારવામાં આવતા લાખો રૂપિયાના વીજ વપરાશના બિલો જ પાલિકાના કહેવાતા સીલિંગના કાગળિયાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. કલેક્ટરના આદેશ છતાં માત્ર મુખ્ય દરવાજે જ તાળાબંધી
સાણિયા હેમાદ સ્થિત સાઈગંગા રેસિડેન્સીના જાગૃત રહીશ મહેશ પટેલે પાલિકાના આ ભ્રષ્ટતંત્ર સામે મોરચો માંડીને નક્કર પુરાવાઓ સાથે મ્યુનિસિપલ કમિશનર સુધી ઉગ્ર રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા મુજબ, શાંત રહેણાંક ઝોનમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝની નબળી મંજૂરીઓની આડ લઈને બિલ્ડરો દ્વારા મસમોટા ઇન્ડસ્ટ્રિયલ શેડ અને ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. અગાઉ જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ પાલિકાએ 27 સપ્ટેમ્બર, 2023ના રોજ આશીર્વાદ એમ્બ્રોઈડરી અને ક્રિષ્ના એમ્બ્રોઈડરી પાર્કના માળ સીલ કર્યા હોવાનો દાવો યાદી (Annexure R/2)માં કર્યો હતો. જોકે, જમીની વાસ્તવિકતા એ છે કે, તાળાબંધી માત્ર મુખ્ય દરવાજે દેખાડા પૂરતી અને ચોપડે જ થઈ છે, જ્યારે પાછલા બારણેથી બિલ્ડરો અને કારખાના સંચાલકો બેખોફ બનીને ઔદ્યોગિક ઉત્પાદન ચલાવી રહ્યા છે. સીલ કરેલા એક જ માળે મહિનામાં 6,057 યુનિટ વીજળી વપરાઈ!
પાલિકાના આ કથિત સીલિંગની પોલ ખુદ સરકારી વીજ કંપની DGVCLના સત્તાવાર આંકડા ખોલી રહ્યા છે. મનપાની યાદી મુજબ, બ્લોક નં. 197/A, સબપ્લોટ નં. 7+8 (આશીર્વાદ એમ્બ્રોઈડરી પાર્ક-2)નો ત્રીજો માળ સત્તાવાર રીતે સીલ કરવામાં આવ્યો હતો. પરંતુ હકીકતમાં આ જ સીલ કરેલા સરનામે સપ્ટેમ્બર-2026માં રૂ. 46,216.50નું તોતિંગ વીજ બિલ આવ્યું છે. આ બિલમાં માસિક 6,057 યુનિટ જેટલો જંગી વીજ વપરાશ નોંધાયો છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલો મોટો વીજ વપરાશ કોઈ સીલ થયેલી બંધ જગ્યામાં ભૂતિયા રીતે તો ન જ થઈ શકે, ત્યાં ચોવીસે કલાક એમ્બ્રોઇડરીના મશીનો ધમધમતા હોય તો જ આવું બિલ આવવું શક્ય બને. અન્ય સીલ બંધ પરિસરોમાં પણ લાખો રૂપિયાના બિલ
માત્ર એક જ યુનિટ નહીં, પરંતુ સીલ જાહેર કરાયેલા આ જ પરિસરોના અન્ય વીજ મીટરોમાં પણ લાખો રૂપિયાના બિલો ફાટ્યા છે. પુરાવા તરીકે રજૂ કરાયેલા આંકડા મુજબ, ચારેય બિલોનો સરવાળો કરવામાં આવે તો સીલ બંધ મિલકતોમાં જ સવા બે લાખથી વધુનું વીજ બિલ એક જ મહિનામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે પાલિકાના સીલની પાછળ ગેરકાયદે કારખાનાઓ પૂરજોશમાં ચાલી રહ્યા છે. સીલનો માત્ર તાયફો, અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતઃ સ્થાનિક
અરજદાર મહેશ પટેલે પાલિકાની કામગીરી સામે આક્ષેપ કર્યો છે કે, પાલિકાનું આ સીલિંગ તાયફો છે. સ્થાનિક વરાછા ઝોનના અધિકારીઓ બિલ્ડરો અને કારખાનેદારો સાથે સીધી મિલીભગત ધરાવે છે. જ્યારે પણ ફરિયાદ બાદ ટીમ સ્થળ પર આવે છે, ત્યારે ‘પોલીસ બંદોબસ્ત મળ્યો નથી’ તેવું લૂલું બહાનું આગળ ધરીને કાર્યવાહી કર્યા વગર જ રવાના થઈ જાય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા ગેરકાયદે એકમોના પ્લાન રદ કરવા અને કડકાઈથી ફરી સીલિંગ કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, વરાછા ઝોનના નીચલા સ્તરના બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી. 50 હજારના બિલ અંગે પૂછતાં ડેપ્યુટી એન્જિનિયરે કહ્યું- ‘અમને ખબર નથી’
આ સમગ્ર કૌભાંડ અંગે સ્થાનિક અરજદારોએ 1 ઓક્ટોબર, 2026ના રોજ વરાછા ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશ પટેલની રૂબરૂ મુલાકાત લઈને તેમને ઘેર્યા હતા. જાગૃત નાગરિકોએ વીજ બિલોના પુરાવા બતાવીને વેધક સવાલો કર્યા હતા કે, તમે જે મિલકતોને સીલ કરી છે, તેમાં હજુ પણ અંદર કામગીરી ચાલુ છે. તમે કેવા પ્રકારની સીલિંગ કામગીરી કરી છે? સીલ કરેલા યુનિટમાં 50 હજારથી વધુના વીજ બિલ આવે છે, શું તમને એટલી પણ ખબર નથી? સ્થાનિકોના આ સણસણતા સવાલો સામે ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશ પટેલે કહ્યું કે,અમને આ બાબતે કંઈ ખબર નથી, અમે તપાસ કરીશું તેવું સરકારી રટણ કર્યું હતું. કમિશનર કડક પગલાં નહીં લે તો ઉચ્ચ સ્તરે આંદોલનની ચીમકી
રહેણાંક વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદે કારખાનાઓના સતત અવાજ અને પ્રદૂષણથી સ્થાનિક રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક તરફ પાલિકાના અધિકારીઓ કાર્યવાહીના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિકોએ સ્ટિંગ ઓપરેશન અને DGVCLના બિલો થકી સમગ્ર ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો છે. સ્થાનિક રહીશોએ હવે અલ્ટીમેટમ આપ્યું છે કે, જો મનપા કમિશનર તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરાવીને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને ગેરકાયદે એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં ગાંધીનગર અને હાઈકોર્ટ સુધી ઉગ્ર લડત આપવામાં આવશે. વરાછા ઝોનના ડેપ્યુટી કમિશનરે કહ્યું- ‘મારી પાસે કોઈ માહિતી આવી નથી’
આ સમગ્ર મામલે વરાછા ઝોનના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “સીલિંગ અને વીજ વપરાશના બિલો અંગે હાલ મારી પાસે રેકોર્ડ પર કોઈ સત્તાવાર રિપોર્ટિંગ આવ્યું નથી, જેથી સમગ્ર હકીકત વેરિફાય કરવી જરૂરી છે. જોકે, બીપીએમસી એક્ટ અને જીડીસીઆરના નિયમોનું પાલન કરાવવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. પાલિકા તરફથી ‘ડ્યુ પ્રોસેસ ઓફ લો’ હેઠળ નોટિસ અને સુનાવણી સહિતની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને નિયમાનુસાર એન્ફોર્સમેન્ટની કડક કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ચાલુ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક અટકાવવા તે અમારી પ્રાથમિકતા છે અને આ બાબતે સોમવારે સમીક્ષા બેઠક યોજી આગળના કડક પગલાં લેવામાં આવશે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *