મહેસાણા શહેરના સથવારા વાસમાં રહેતા અલ્પેશકુમાર સથવારા પર મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા કડિયા નાકા પર છરી વડે જાનલેવા હુમલો થયો હતો. જેથી ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શું છે સમગ્ર બનાવ?
અલ્પેશકુમાર સથવારા દરરોજની જેમ પોતાના મોટરસાઇકલ પર મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે કડિયા કામની મજૂરી મેળવવા માટે ગયા હતા. સવારના આશરે દસ વાગ્યાના સુમારે તેઓ કડિયા નાકા પર હાજર હતા, તે સમયે અંબાવાડી સેટેલાઇટ સોસાયટી નજીક રહેતો ઠાકોર સુખદેવજી પુંજાજી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે અલ્પેશકુમાર સાથે તકરાર કરી પોતાની માતા સાથે વાતો કેમ કરે છે તેમ કહીને અચાનક અપશબ્દો બોલવા લાગ્યો હતો. અલ્પેશકુમારે તેમની સાથે કોઈ સંપર્ક ન હોવાનું જણાવવા છતાં ઉશ્કેરાયેલા સુખદેવજીએ પોતાની કમરમાંથી છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. લોકો ભેગા થઈ જતાં આરોપી ભાગી ગયો
અલ્પેશકુમારે બચાવમાં પોતાનો જમણો હાથ આગળ ધરતાં છરીનો ઘા જમણા હાથના કાંડાના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોર ઠાકોર સુખદેવજી ત્યાથી ભાગી ગયો હતો અને જતા જતા ધમકી આપી હતી કે, આજે તો બચી ગયો છે, હવે પછી મારી મા સાથે વાતો કરી છે તો જાનથી મારી નાખીશ. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
હુમલા બાદ ત્યાં હાજર મિત્ર મુકેશ સથવારાએ ઈજાગ્રસ્ત અલ્પેશકુમારને રિક્ષામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં 108 એમ્બ્યુલન્સ વાન આવી જતાં તેમને 108માં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર હોઈ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 8-બી માં સારવાર હેઠળ છે. આ અંગે ઈજાગ્રસ્ત અલ્પેશકુમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદન આપતાં પોલીસે હુમલો કરનાર ઠાકોર સુખદેવજી પુંજાજી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતા સાથે ફોનમાં વાતો કરવાની શંકાએ યુવક પર હુમલો:મહેસાણાના મોઢેરા ચોકડી પાસે બોલાચાલી બાદ શખ્સે છરી મારી દીધી, ઈજાગ્રસ્તને અમદાવાદમાં સારવાર માટે ખસેડાયો
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
