ઓસ્ટ્રેલિયામાં અપક્ષ મહિલા સાંસદ હેલેન હેન્સને સોમવારે તેમની ઓફિસની બહાર કારે કચડી નાખ્યા હતા. 65 વર્ષીય હેન્સની સ્થિતિ ગંભીર છે. તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના વિક્ટોરિયા રાજ્યના વાંગારાટા શહેરમાં બની હતી. આ શહેર મેલબોર્નથી લગભગ ત્રણ કલાકના અંતરે આવેલું છે. પોલીસના જણાવ્યા અનુસાર, હેન્સ પોતાના મતવિસ્તારની ઓફિસની બહાર હતાં, ત્યારે ટોયોટા લેન્ડ ક્રૂઝર SUVએ તેમને ટક્કર મારી હતી. પોલીસે 43 વર્ષીય આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે સાંસદને જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. આરોપીની કારની અંદરથી એક છરી પણ મળી આવી છે. પીએમ અલ્બનીઝે કહ્યું- હુમલાનું કારણ હજુ સ્પષ્ટ નથી પીએમ એન્થની અલ્બનીઝે કહ્યું કે હુમલા પાછળનું કારણ જણાવવું અત્યારે ઉતાવળભર્યું રહેશે. તેમણે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીની તપાસમાં આતંકવાદ વિરોધી ટીમ પણ સામેલ થશે. વિક્ટોરિયા પોલીસના કાર્યકારી સુપરિન્ટેન્ડેન્ટ એશ્લે મેસને કહ્યું કે હાલ સામાન્ય લોકો માટે કોઈ વધુ જોખમ નથી. હેલેન વિશે વાત કરતાં ભાવુક થયા PM અલ્બનીઝ PM અલ્બનીઝ હેલેન વિશે વાત કરતાં ભાવુક પણ થઈ ગયા. ABCના લાઇવ ટીવી કાર્યક્રમ ‘730’માં ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અને તેમના સાથી સાંસદો એકબીજાને મળતી ધમકીઓ અને સુરક્ષા સંબંધિત જોખમો અંગે ચર્ચા કરે છે. આ અંગે અલ્બનીઝે કહ્યું કે હાલમાં તેમને પોતાના એક સાથીની ચિંતા છે. અલ્બનીઝે હેલેનને ઈમાનદાર અને પોતાના સમુદાય માટે સમર્પિત ગણાવ્યાં. તેમણે કહ્યું કે હેલેન પોતાના વિસ્તારના લોકોની જરૂરિયાતો અંગે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. અલ્બનીઝે કહ્યું કે તેઓ એવું રાજકીય વાતાવરણ જોવા માંગતા નથી, જેમાં જનપ્રતિનિધિઓ સુપરમાર્કેટ, રસ્તાઓ અથવા જાહેર સભાઓમાં લોકો સાથે વાતચીત કરતાં ડરે. પરિવારે હેલેનની મદદ કરનારાઓનો આભાર માન્યો હેલેન હેન્સના પરિવારે તેમના ફેસબુક પેજ પર જાહેર કરાયેલા નિવેદનમાં રાહદારીઓ, આરોગ્યકર્મીઓ અને પોલીસનો આભાર માન્યો. પરિવારે કહ્યું કે લોકોએ તરત મદદ કરી અને આરોગ્યકર્મીઓએ સાંસદને બચાવવા માટે પ્રયાસો કર્યા. હેલેન હેન્સ 2019માં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની સંસદ માટે ચૂંટાઈ આવ્યાં હતાં. તેઓ અપક્ષ સાંસદ છે. ———————
ઓસ્ટ્રેલિયાના મહિલા સાંસદ હેલેનને કારે ટક્કર મારી:ઓફિસની બહાર અકસ્માત, હાલત ગંભીર; 43 વર્ષીય આરોપી ડ્રાઇવરની ધરપકડ
📅 Published: October 19, 2026 |
📂 Category: International
