કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં 19 ઑક્ટોબરે જનમત સંગ્રહ યોજાઈ રહ્યો છે. તેમાં લોકો નક્કી કરશે કે પ્રાંતે કેનેડાનો હિસ્સો બનીને રહેવું જોઈએ કે નહીં. ઇપ્સોસ-ગ્લોબલ ન્યૂઝના સર્વેમાં અલ્બર્ટાના લગભગ 70% લોકો કેનેડા સાથે જોડાયેલા રહેવાના પક્ષમાં છે. તેમ છતાં અલગ દેશ બનાવવાની માગણી કરનારા લોકો પીછેહઠ કરવા તૈયાર નથી. અલ્બર્ટામાં અલગ દેશ બનાવવાની માગણી કોઈ નવી વાત નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ તેલથી થતી આવક અને કેન્દ્ર સરકાર સાથે નાણાંની વહેંચણીને લઈને નારાજગી છે. અલ્બર્ટામાં તેલનો ચોથો સૌથી મોટો ભંડાર અલ્બર્ટામાં વિશ્વના પ્રમાણિત તેલ ભંડારોની દૃષ્ટિએ ચોથો સૌથી મોટો ભંડાર છે. અહીંનો તેલ ઉદ્યોગ રોજગાર અને આવકનો મોટો સ્ત્રોત છે. અલગ દેશ બનાવવાના સમર્થકોનું કહેવું છે કે અલ્બર્ટા કેન્દ્ર સરકારને ઘણાં પૈસા આપે છે, પરંતુ તેના બદલામાં તેને એટલો લાભ મળતો નથી. તેમનો આરોપ છે કે પ્રાંતની કમાણીનો ઉપયોગ કેનેડાના અન્ય ભાગોની મદદ માટે કરવામાં આવે છે. વર્ષ 2015માં જસ્ટિન ટ્રૂડોના વડાપ્રધાન બન્યા બાદ આ વિવાદ ફરી વકર્યો. તેમની સરકારે કાર્બન ટેક્સ અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક નિયમો લાગુ કર્યા. અલ્બર્ટાના તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ તેનો વિરોધ કર્યો. તેમનું માનવું હતું કે આ નિયમોથી તેલના વ્યવસાયને અસર થશે. શું મતદાન બાદ અલ્બર્ટા અલગ દેશ બની જશે? ના. આ જનમત સંગ્રહમાં લોકોને સીધો આ નિર્ણય લેવા માટે કહેવામાં આવી રહ્યું નથી કે અલ્બર્ટા તરત જ અલગ દેશ બને કે નહીં. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે શું અલગ થવાની દિશામાં આગળ વધવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. લોકો સમક્ષ બે વિકલ્પો છે- 1. કેનેડાનો ભાગ બનીને રહેવું 2. ભવિષ્યમાં અલગ થવા અંગે નિર્ણય લેવા માટે જનમત સંગ્રહની પ્રક્રિયા શરૂ કરવી જો લોકો બીજા વિકલ્પની તરફેણમાં મત આપે, તો પણ અલ્બર્ટા તરત જ અલગ દેશ બની જશે નહીં. આ માટે કેનેડાની કેન્દ્ર સરકાર, અન્ય પ્રાંતો અને ત્યાં રહેતા મૂળનિવાસી સમુદાયો સાથે વાટાઘાટો કરવી પડશે. અલગ થવાની સ્થિતિમાં અનેક મુદ્દાઓ પર નિર્ણય લેવો પડશે. તેમાં સંસાધનોની વહેંચણી, અધિકારો અને કેનેડા સાથેના ભવિષ્યના સંબંધોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્ની અલ્બર્ટાના છે, અલગ થવાના પક્ષમાં નથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પોતે આલ્બર્ટામાં ઉછર્યા છે. તેઓ પણ માને છે કે પ્રાંતના લોકોમાં નારાજગી છે. જોકે, તેઓ આલ્બર્ટાને કેનેડાથી અલગ કરવાના પક્ષમાં નથી. તેમણે લોકોને ચેતવણી આપી છે કે તેઓ અલગ થવાના પક્ષમાં મત ન આપે. આવો નિર્ણય દેશમાં લાંબા સમય સુધી રાજકીય ખેંચતાણ અને અનિશ્ચિતતા ઊભી કરી શકે છે. કાર્નીએ કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે આલ્બર્ટાના ઘણા લોકોને એવું લાગે છે કે જાણે તેમના પોતાના સંસાધનો પણ તેમના નથી. જોકે સરકાર આલ્બર્ટા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી અલગ થવાના વિરોધમાં ફરી જનમતસંગ્રહ શા માટે કરાવી રહ્યાં છે? આલ્બર્ટાના મુખ્યમંત્રી ડેનિયલ સ્મિથે ગયા વર્ષે જનમતસંગ્રહ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી હતી. ત્યારબાદ સ્વતંત્રતાનો મુદ્દો રાજ્યની રાજનીતિમાં વધુ ચર્ચામાં આવ્યો. જોકે, સ્મિથ પોતે આલ્બર્ટાને કેનેડાથી અલગ કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે તેઓ અલગ થવાના વિરોધમાં મત આપી રહ્યાં છે. નિષ્ણાતોના મતે આ જનમત સંગ્રહ પાછળ સ્મિથની પોતાની પાર્ટીની રાજનીતિ પણ છે. તેમની પાર્ટીમાં ઘણા લોકો અલ્બર્ટાને અલગ દેશ બનાવવાના પક્ષમાં છે. સ્મિથ જનમત સંગ્રહ દ્વારા પોતાની જ પાર્ટીના નેતાઓ અને સમર્થકો વચ્ચે ચાલી રહેલા મતભેદોને ઉકેલવા માંગે છે. જનમત સંગ્રહ ઉપરાંત વધુ 10 પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અલ્બર્ટામાં માત્ર સ્વતંત્રતાના મુદ્દા પર જ મતદાન થઈ રહ્યું નથી. લોકોને કુલ 10 પ્રશ્નો પર પોતાનો અભિપ્રાય આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. 1. અલ્બર્ટાની સ્વતંત્રતા: શું અલ્બર્ટાએ કૅનેડાથી અલગ થઈને સ્વતંત્ર દેશ બની જવું જોઈએ? 2. સ્થળાંતર કરનારાઓની સંખ્યા: શું અલ્બર્ટા સરકારને પ્રાંતમાં આવતા સ્થળાંતર કરનારાઓની સંખ્યા મર્યાદિત કરવાનો અધિકાર મળવો જોઈએ? 3. સ્થાનિક લોકોને પ્રાથમિકતા: શું નોકરીઓમાં અલ્બર્ટાના લોકોને બહારથી આવતા લોકોની સરખામણીએ પ્રાથમિકતા આપવી જોઈએ? 4. આરોગ્ય સેવાઓ માટે અલગ નિયમો: શું અસ્થાયી રીતે રહેતા લોકોને સરકારી આરોગ્ય સેવાઓ આપવા માટે અલગ નિયમો બનાવવામાં આવવા જોઈએ? 5. શિક્ષણની સુવિધાઓ: શું અસ્થાયી રીતે રહેતા લોકોનાં બાળકોને સરકારી શિક્ષણ આપવા પર કેટલીક મર્યાદાઓ લાદવી જોઈએ? 6. સરકારી આર્થિક સહાય: શું સરકારી આર્થિક સહાય અને અન્ય સુવિધાઓ મેળવવા માટે લોકો માટે અલ્બર્ટામાં ઓછામાં ઓછા 12 મહિના રહેવું ફરજિયાત હોવું જોઈએ? 7. મતદાન માટે ઓળખપત્ર: શું પ્રાંતીય ચૂંટણીમાં મત આપનારાઓ માટે નાગરિકત્વનો પુરાવો દર્શાવવો ફરજિયાત હોવો જોઈએ? 8. પ્રાંતોને જજ પસંદ કરવાનો અધિકાર: શું અલ્બર્ટા અને અન્ય પ્રાંતોને પોતાની અદાલતોના જજ પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ? 9. કેનેડાની સેનેટને ખતમ કરવી: શું દેશની સંસદના ઉપલા ગૃહ સેનેટને ખતમ કરી દેવી જોઈએ? 10. પ્રાંતોને વધુ અધિકારો: શું આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓમાં પ્રાંતીય સરકારોને કેન્દ્ર સરકારની સરખામણીએ વધુ અધિકારો મળવા જોઈએ? મુખ્યમંત્રી સ્મિથે પહેલા પ્રસ્તાવની વિરુદ્ધમાં અને બાકીના નવ પ્રસ્તાવોનું સમર્થન કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તેનાથી કેન્દ્ર સરકાર સાથેની વાતચીતમાં અલ્બર્ટાને વધુ તાકાત મળશે. ટ્રમ્પ સરકાર પર અલગતાવાદીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ ટ્રમ્પ સરકાર પર અલગ દેશની માગ કરી રહેલા લોકોને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના અધિકારીઓ અલ્બર્ટાના અલગતાવાદી નેતાઓને મળે છે અને તેમની મદદ કરે છે. CNNના એક અહેવાલ મુજબ, અલગાવવાદીઓ ટ્રમ્પની સત્તામાં વાપસીના સમયને અલ્બર્ટાને અલગ કરવા માટે યોગ્ય માની રહ્યા છે. કેટલાક અલગાવવાદીઓ અલ્બર્ટાને સ્વતંત્ર દેશ બનાવવાને બદલે અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાત પણ કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં કેલગરી અને એડમોન્ટન વચ્ચેના હાઇવે પર એક બિલબોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું, જેમાં અલ્બર્ટાને USAમાં સામેલ કરવાની અપીલ કરવામાં આવી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ આ જ વર્ષે જાન્યુઆરીમાં આવો જ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અલ્બર્ટા પાસે પુષ્કળ કુદરતી સંસાધનો છે અને તે અમેરિકાનો સ્વાભાવિક ભાગીદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અલ્બર્ટાના લોકો સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે અને એવી ચર્ચા છે કે ત્યાંના લોકો કેનેડામાં રહેવું કે અલગ થવું તે અંગે જનમતસંગ્રહ કરાવી શકે છે.
કૅનેડાથી અલગ થવા અંગે આજે અલ્બર્ટામાં મતદાન:70% લોકો સાથે રહેવાના પક્ષમાં, તેલની કમાણી અંગે 50 વર્ષ જૂનો વિવાદ
📅 Published: October 19, 2026 |
📂 Category: International
