સુરત શહેરનું ઉત્રાણ રેલવે સ્ટેશન હવે સંપૂર્ણ નવા રંગરૂપમાં સજ્જ થઈ રહ્યું છે અને તેને સેટેલાઈટ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં મેઇન લાઇન સિવાય અન્ય ત્રણ ટ્રેક બનાવવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. રી-ડેવલપમેન્ટનું કામકાજ હવે આખરી ઓપ લઈ રહ્યું છે, જેના પગલે આગામી દિવસોમાં ઉત્રાણ રેલવે સ્ટેશનથી પણ ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
અમરોલી અને મોટા વરાછાના પરપ્રાંતીયોને રાહત
હાલ દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો દરમિયાન બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરો માટે મુખ્યત્વે ઉધના રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવે છે. પરંતુ ઉત્રાણ સ્ટેશન કાર્યરત થતાં જ અમરોલી, છાપરાભાઠા, વરિયાવ અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા હજારો પરપ્રાંતીય પરિવારોને ભારે સુવિધા મળશે. આ સ્થાનિક રહીશોને હવે ઉત્તર પ્રદેશ કે બિહાર જવા માટે છેક ઉધના કે સુરત મુખ્ય સ્ટેશન સુધી લંબાવવું પડશે નહીં, જેથી તેમનો સમય અને ભાડું બંને બચશે.

ઉધના અને સુરત સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટશે
અત્યાર સુધી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માટે મુસાફરો પાસે સુરત અને ઉધના રેલવે સ્ટેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો, જેના કારણે તહેવારોની સિઝનમાં ત્યાં ભારે અફરાતફરી અને ભીડભાડ જોવા મળતી હતી. ઉત્રાણ રેલવે સ્ટેશન સેટેલાઈટ સ્ટેશન તરીકે શરૂ થતાં જ ઉધના અને સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. વેસ્ટર્ન રેલવે દ્વારા ત્વરિત ગતિએ કામગીરી પૂર્ણ કરીને નજીકના દિવસોમાં જ અહીંથી ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે.
