નાના નખત્રાણાની ખીમજ ગરબીમાં ઝળહળી રબારી સંસ્કૃતિ:50 વર્ષ જૂની પરંપરા અકબંધ, ફિલ્મી ગીતો વિના દુહા-છંદ સાથે રબારી પહેરવેશમાં ગરબા

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

નખત્રાણા તાલુકાના નાના નખત્રાણા ગામમાં નવરાત્રીના પર્વ દરમિયાન રબારી સમાજની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનાં અનોખાં દર્શન થઈ રહ્યાં છે. શ્રી ખીમજ ગરબી યુવક મંડળ દ્વારા આયોજિત આશરે પાંચ દાયકા જૂની પ્રાચીન ગરબીમાં ભાઈઓ અને બહેનો પરંપરાગત રબારી પહેરવેશ ધારણ કરીને નવે નવ દિવસ માતાજીની આરાધના કરે છે. આધુનિકતાના આ યુગમાં પણ ફિલ્મી ગીતો અને ટ્યુન્સથી દૂર રહી દુહા, છંદ અને માતાજીના પરંપરાગત ગરબા સાથે ઉજવાતી આ નવરાત્રી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગરબીની વિશેષતા માત્ર ગરબા રમવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રબારી સમાજના સાંસ્કૃતિક વારસા, ધાર્મિક આસ્થા અને સામૂહિક એકતાની ઝલક પણ જોવા મળે છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને બહેનો જ્યારે માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે જાણે વર્ષો જૂની લોકસંસ્કૃતિ જીવંત બની ઊઠે છે. ગરબીમાં સૌપ્રથમ નાની બાલિકાઓના રાસનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ બહેનો અને ભાઈઓ પરંપરાગત ગરબા રમી માતાજીની ભક્તિમાં લીન બને છે. ખીમજ ગરબી યુવક મંડળ દ્વારા વર્ષોથી આ ધાર્મિક પરંપરાને જાળવી રાખવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન દુહા-છંદના સૂર સાથે થતી આરાધના જૂની પેઢીની સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહી છે. ખાસ કરીને યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતને પ્રાધાન્ય આપવું એ સાંસ્કૃતિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડે છે. યુવક મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર, નવરાત્રી માત્ર મનોરંજન કે ગરબા રમવાનો ઉત્સવ નથી, પરંતુ તે આત્મશુદ્ધિ, ભક્તિ અને શક્તિની ઉપાસનાનો પર્વ છે. વ્યસન, દેખાડો, ફેશન અને આંધળા અનુકરણથી દૂર રહી માતાજીની સાચા હૃદયથી આરાધના કરવી એ જ નવરાત્રીનો સાચો સંદેશ છે. નાના નખત્રાણાની આ પ્રાચીન ગરબી ગામની સામાજિક એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક બની રહી છે. પાંચ દાયકાથી જળવાયેલી આ પરંપરા દ્વારા શ્રી ખીમજ ગરબી યુવક મંડળના યુવાનો રબારી સમાજની ધરોહરને જીવંત રાખી ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *