US વિદેશ મંત્રી માર્કો રુબિયો 21 ઓક્ટોબરે જામનગર આવશે:રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે, ભારત-અમેરિકા સંબંધો અને ઊર્જા ક્ષેત્રે સહકારની દૃષ્ટિએ મુલાકાત મહત્ત્વપૂર્ણ

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 21 ઓક્ટોબરે બુધવારે જામનગરની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ રિલાયન્સની જામનગર રિફાઇનરીની મુલાકાત લેશે. મળેલી વિગતો અનુસાર, કોઈ દેશના વિદેશ મંત્રીની જામનગરની આ પ્રથમ મુલાકાત હશે. ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો તેમજ ઊર્જા ક્ષેત્રે સહકારની દૃષ્ટિએ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને રિલાયન્સ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈમાં વિદેશ મંત્રી જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક
જામનગર આવતા પહેલાં માર્કો રુબિયો મુંબઈમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ તેઓ સવારે 10:30 વાગ્યે મુંબઈથી રવાના થઈને 11:30 વાગ્યે જામનગર એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પરથી તેઓ સીધા રિલાયન્સ રિફાઇનરીની મુલાકાતે જશે. તેમના આગમન અને મુલાકાતને લઈને સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રિફાઇનરી સંકુલમાં લગભગ નવ કલાક વિતાવશે
માર્કો રુબિયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનરી સંકુલમાં લગભગ નવ કલાક વિતાવશે, જ્યાં તેમની રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે મુલાકાત પણ નિર્ધારિત છે.અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. આ કારણોસર, આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઊર્જા સુરક્ષા અને વેપાર પર રહેશે ખાસ ધ્યાન
માર્કો રુબિયોની આ મુલાકાતનું મુખ્ય મહત્ત્વ ઊર્જા ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવાનું છે. જામનગરમાં આવેલી રિલાયન્સની વિશાળ રિફાઇનરી પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન અને નિકાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બીજી તરફ, રિલાયન્સ દ્વારા અમેરિકાના ટેક્સાસમાં રિફાઇનરી પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના પણ આ મુલાકાતને વ્યાપારી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ મુલાકાતથી ઊર્જા સુરક્ષા, રોકાણ અને દ્વિપક્ષીય વેપારમાં સહકારની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *