Surat : લસકાણામાં આહીર સમાજના ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશ સાથે ગરબે ઘૂમ્યા

📅 Published: October 20, 2026 | 📂 Category: Surat

વર્તમાન સમયમાં જ્યારે પાર્ટી પ્લોટોમાં મોંઘી ફી ચૂકવીને અને આધુનિક ગીતોના ઘોંઘાટ વચ્ચે ગરબા રમવાનું ચલણ વધ્યું છે, ત્યારે કામરેજ તાલુકાના લસકાણા ગામે આહીર સમાજમાં પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખતો પ્રેરણાદાયી નજારો જોવા મળ્યો હતો. લસકાણા સ્થિત આહીર સમાજની વાડી ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે 1 હજારથી વધુ પુરુષો-મહિલાઓ પરંપરાગત પરિધાન અને સોના-ચાંદીનાં ઘરેણાંથી સજ્જ થઇને એકસાથે ગરબે ઘૂમ્યા હતા. દેશી ઢબ અને પ્રાચીન પરંપરા અનુસાર ગરબે ઝૂમતા ખેલૈયાઓની રમઝટે ઉપસ્થિત સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના દેખાડા અને ઝાકમાળ ભરેલા યુગમાં પણ પોતાની વિરાસતને અકબંધ રાખવા માટે આહીર સમાજ છેલ્લા 25થી 30 વર્ષીયથી આ ઉત્સવનું અવિરત આયોજન કરી રહ્યો છે. સમાજની દીકરીઓને ગરબા રમવા માટે બહાર ન જવું પડે અને તેમને સુરક્ષિત તથા સંસ્કારી પારિવારિક વાતાવરણ મળી રહે તેવા ઉમદા આશય સાથે આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. આ મહોત્સવ અંગે આહીર સમાજના યુવા પ્રમુખ કલ્પેશ આહીરે જણાવ્યું કે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. અહીં નાના બાળકોથી લઇને વડીલો અને યુવાનો સૌ કોઇ એક છત નીચે એકત્ર થઇને ઉત્સાહભેર જગદંબાની ઉપાસના કરે છે, જે સમાજની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ભવ્ય અને સંસ્કૃતિપ્રધાન આયોજનમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આયોજન બિરદાવી જણાવ્યું હતું કે, આધુનિકતાના પ્રભાવ વચ્ચે પણ પોતાની પવિત્ર પરંપરા, શિસ્ત અને લોકસંસ્કૃતિને ગૌરવભેર જીવંત રાખવા બદલ આહીર સમાજ અભિનંદનને પાત્ર છે. પુરુષો અને મહિલાઓનો પારંપરિક પહેરવેશ અને શિસ્તબદ્ધ ગરબા સમાજની ભવ્ય ઓળખને ઉજાગર કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *