Surat : વાંકલના પૌરાણિક સિંધવાઇ માતાજીના મંદિરે આઠમે મહેરામણ : માઇભક્તો ગરબે ઘૂમ્યા

📅 Published: October 20, 2026 | 📂 Category: Surat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે પાનેશ્વર નજીક ભૂખી નદીનાં રમણીય તટે બિરાજમાન શ્રી સિંધવાઇ માતાજીનાં પાવન ધામમાં આસો સુદ આઠમનાં પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયુ હતુ. નવરાત્રી નિમિતે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાજીનો ગરબો માથે ધારણ કરી મંદિર પહોંચ્યા હતા અને મંદિર પ્રાંગણમાં ભક્તિભાવ સાથે ગરબે ઘૂમી માતાજીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે મંદિરે પૂજા અને યજ્ઞ તથા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્ત્સવ દરમ્યાન ધોળીકુઇ ગામનાં શ્રી ભાથીજી યુવક મંડળ દ્વારા ઉત્કૃષ્ટ સેવાભાવ દાખવીને દૂરદૂરથી આવતા તમામ ભક્તો માટે ઠંડી છાશ અને પીવાનાં શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડને પગલે ઉત્ત્સાહભર્યા લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. અહીં ખાણીપીણી, અવનવા રમકડાં, પૂજા માટે શ્રીફળ તેમજ ફૂલહારની અનેક દુકાનો ધમધમી ઊઠી હતી, જેનાં થકી સ્થાનિક નાના વેપારીઓ અને ગ્રામીણ પરિવારોને ઉત્તમ રોજગારીની તક મળી હતી. બીજી તરફ, આસ્થાનાં આ મહત્ત્વપૂર્ણ યાત્રાધામ સુધી પહોંચવા માટે ખરાબ રસ્તાને કારણે ભક્તોને ભારે યાતના વેઠવી પડી રહી છે. આ અંગે સિંધવાઇ માતાજીનાં અનન્ય ભક્ત ફતેસિંહભાઇએ જણાવ્યુ હતુ કે, ગામથી મંદિર સુધી પહોંચતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ અને પથરાળ હાલતમાં હોવાથી સમસ્યા વધે છે. અહીં સત્વરે પાકો રસ્તો બનાવવા સ્થાનિક રાજકીય આગેવાનો સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *