Vadodara: પોર GIDCની ચાલીસા ફૂડ્સમાંથી 8,136 કિલો શંકાસ્પદ ઘી સીલ, 2 મહિનાથી પનીરનો રિપોર્ટ દબાવીને બેઠું તંત્ર

📅 Published: October 20, 2026 | 📂 Category: Baroda

તહેવારોની મોસમ નજીક આવતાં જ રાજ્યમાં સામાન્ય જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નફાખોર ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. વડોદરા નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર પોર જીઆઈડીસી (GIDC) માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાયેલા દરોડા દરમિયાન અંદાજે રૂપિયા 41 લાખની કિંમતનો 8,136 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

નકલી ઘી તૈયાર કરી ધાબડી દેવાનું નેટવર્ક 

પ્રાથમિક તપાસમાં પામોલીન તેલ, કેમિકલ એસેન્સ અને સસ્તા તેલના મિશ્રણથી આ નકલી ઘી તૈયાર કરી બજારમાં જાણીતી બ્રાન્ડ્સના પેકિંગમાં ધાબડી દેવાનું સુનિયોજિત નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે.આ તરફ, શિનોર સ્થિત શિવશક્તિ ડેરીમાંથી લેવાયેલા શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ પૂરા બે મહિના (૬૦ દિવસ) વિતી જવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે જાહેર ન કરાતાં, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સમગ્ર કામગીરી અને તેની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પોર GIDCની ચાલીસા ફૂડ્સમાં પામોલીન તેલમાંથી નકલી ઘી બનાવવાનો પર્દાફાશ

પોર જીઆઈડીસીમાં આવેલી ‘ચાલીસા ફૂડ્સ’ નામની પેઢીમાં મોટા પાયે અખાદ્ય સામગ્રીમાંથી ઘી બનાવાતું હોવાની ચોક્કસ બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. એકમમાંથી કુલ 8,136 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેનું બજાર મૂલ્ય આશરે ₹41 લાખ આંકવામાં આવ્યું છે.આરોપ છે કે સસ્તા પામોલીન તેલને પ્રોસેસ કરી, સુગંધિત કેમિકલ્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ ઉમેરીને આબેહૂબ અસલ ઘી જેવો પદાર્થ બનાવવામાં આવતો હતો.આ શંકાસ્પદ ઘીને માર્કેટમાં ઊંચા ભાવે વેચવા માટે અલગ-અલગ જાણીતી બ્રાન્ડ્સના નામે પ્રિન્ટેડ ડબ્બાઓ અને પાઉચમાં પેકિંગ કરવામાં આવતું હોવાની આશંકાના પગલે સમગ્ર જથ્થો સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યો છે.ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ ઘીના વિવિધ બેચમાંથી નમૂના એકત્ર કરી વધુ પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

શિનોરની શિવશક્તિ ડેરીના પનીરનો રિપોર્ટ 2 મહિનાથી ક્યાં અટક્યો?

નવા દરોડાની સાથે જ જૂની કાર્યવાહીમાં તંત્રની ઢીલી અને શંકાસ્પદ નીતિ ફરી છતી થઈ છે.શિનોર સ્થિત ‘શિવશક્તિ ડેરી’ માંથી અંદાજે બે મહિના અગાઉ શંકાસ્પદ પનીરના સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવ્યા હતા.સામાન્ય નિયમ મુજબ ખાદ્ય પદાર્થોનો લેબોરેટરી એનાલિસિસ રિપોર્ટ 14 થી 21 દિવસમાં આવી જવો જોઈએ, પરંતુ બે મહિના વિતી ગયા છતાં તંત્ર દ્વારા આ રિપોર્ટ ફાઇલોમાં દબાવી રાખવામાં આવ્યો છે.સ્થાનિક લોકો અને ગ્રાહકોમાં ચર્ચા છે કે મોટા ડેરી સંચાલકોને ક્લીન ચીટ આપવા માટે કે આર્થિક સેટિંગના ભાગરૂપે રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Porbandar: બગવદર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે સગા ભાઈ સામે ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *