Vadodara: સાંસદ યુસુફ પઠાણ પર સરકાર ઓળઘોળ; વિવાદિત પ્લોટ પર VMC લગાવશે મંજૂરીની મહોર, 500 ચો.મી. જમીન મળશે મફત ભેટમાં

📅 Published: October 20, 2026 | 📂 Category: Baroda

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી ચૂંટાયેલા સાંસદ યુસુફ પઠાણ માટે વડોદરા સ્થિત વિવાદિત જમીન મામલે વર્ષો જૂની કાનૂની અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના બંગલાની પાછળ આવેલા રૂપિયા 20.53 કરોડની અંદાજિત કિંમતના 978 ચોરસ મીટરના વિવાદિત મ્યુનિસિપલ પ્લોટ ની ફાળવણી માટે રાજ્ય સરકારે સત્તાવાર લીલી ઝંડી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી પોતાની અરજી બિનશરતી પાછી ખેંચી લીધા બાદ હવે આ પ્રસ્તાવ આગામી શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સમક્ષ અંતિમ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.

સરકારનો સ્પેશિયલ કેસ ફોર્મ્યુલા

રાજ્ય સરકારના મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ ફોર્મ્યુલા મુજબ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા બદલ ભૂતપૂર્વ ખેલાડી તરીકે યુસુફ પઠાણને કુલ 978 ચોરસ મીટર પૈકી 500 ચોરસ મીટર જમીન રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે (ભેટ સ્વરૂપે) સોંપવામાં આવશે.બાકી રહેતી 478 ચોરસ મીટર જમીન નક્કી કરાયેલા બજાર મૂલ્યના 45 ટકા ડિસ્કાઉન્ટ (સબસિડીવાળા દરે) સાથે પઠાણને ટ્રાન્સફર કરવામાં આવશે.સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે, આ નિર્ણય માત્ર અને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીના યોગદાનને બિરદાવવા ‘વિશેષ કિસ્સા’ (Special Case) તરીકે લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં કોઈ અન્ય વ્યક્તિ આ નિર્ણયને મિસાલ કે આધાર બનાવીને જમીન માંગી શકશે નહીં. આ ફાળવણીથી વડોદરા મહાનગરપાલિકાને જે નાણાકીય જમીનનું નુકસાન થશે, તેના વળતરરૂપે રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગ આ જમીનના સમકક્ષ મૂલ્ય જેટલી જ અન્ય સરકારી જમીન VMC ને ફાળવી આપશે.

કેવી રીતે ઉકેલાયો 12 વર્ષ જૂનો પેચીદો વિવાદ?

2012 માં સેલિબ્રિટી પ્રોટેક્શન અને સિક્યોરિટીનું કારણ દર્શાવી યુસુફ પઠાણે ઘરની પાછળનો પ્લોટ 99 વર્ષની લીઝ પર માંગ્યો હતો. VMC એ ઠરાવ કર્યો હતો, પરંતુ 2014માં રાજ્ય સરકારે જાહેર હરાજી વગર જમીન આપવાની મનાઈ કરી દીધી હતી. સરકારી મંજૂરી ન હોવા છતાં પ્લોટ પર બાઉન્ડ્રી વોલ અને શેડ બનાવવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ સ્થાનિક ભાજપ કાઉન્સિલરની ફરિયાદ પર VMC એ ગેરકાયદે દબાણ ગણાવી ડિમોલિશન નોટિસ ફટકારી હતી.નોટિસ સામે હાઇકોર્ટ પહોંચેલા પઠાણને કોર્ટે સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો. હાઇકોર્ટના આકરા વલણ અને ભારે દંડની શક્યતા વચ્ચે ૩૧ ઓગસ્ટના રોજ પઠાણના વકીલે બિનશરતી દિલગીરી વ્યક્ત કરી કેસ પાછો ખેંચી લીધો હતો. તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પઠાણના બદલાતા રાજકીય સમીકરણો અને નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) ના ઉપાધ્યક્ષ બન્યા બાદ સરકારે ખેલાડીઓના જૂના ક્વોટા (જેમ કે અગાઉ નયન મોંગિયાને અપાયો હતો) નો ઉપયોગ કરી વિવાદનો કાયમી ઉકેલ લાવી દીધો છે.

આગામી શુક્રવારે વીએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાશે આખરી નિર્ણય

સરકાર તરફથી ગાઈડલાઈન આવી જતાં હવે સ્થાનિક સ્તરે કવાયત તેજ બની છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેની સત્તાવાર દરખાસ્ત મંજૂર કરવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી બાદ જનરલ બોર્ડની મહોર લગાવીને ૪૭૮ ચો.મી. ની ડિસ્કાઉન્ટવાળી રકમ જમા થયા બાદ કાયદેસરનો દસ્તાવેજ કરી પ્લોટ સોંપી દેવામાં આવશે.

આ પણ વાંચો: Bhavnagar: IDBI બેંકના મ્યુલ એકાઉન્ટ થકી ₹1.41 કરોડના ફ્રોડનો પર્દાફાશ, સુનિલ કારેલીયા સામે કાયદેસર કાર્યવાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *