દશેરા પર્વ નિમિત્તે નાગરિકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી પાટણ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં ફાફડા-જલેબીનું ઉત્પાદન તથા વેચાણ કરતી 28 પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 42 સેમ્પલ એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે અખાદ્ય જણાયેલા 18 કિલો ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 2 વેપારીઓને સુધારણા નોટિસ આપવામાં આવી હતી. દશેરાના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા ફાફડા-જલેબીના ઉત્પાદકો અને વિક્રેતાઓની દુકાનોમાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શહેર અને જિલ્લાની કુલ 28 જેટલી પેઢીઓમાં આકસ્મિક તપાસ કરી ફાફડા, જલેબી તેમજ તેના ઉત્પાદનમાં વપરાતા તેલ, ઘી, બેસન સહિતના કાચા માલસામાનના કુલ 42 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ અને પરીક્ષણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન ગુણવત્તા વિહીન અને આરોગ્ય માટે હાનિકારક જણાયેલા આશરે 18 કિલો જેટલા અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ ખાડો ખોદીને નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો તેવા 2 વેપારીઓને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સુધારણા નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા પણ વિવિધ સ્થળોએ ખાદ્ય પદાર્થોનું પ્રાથમિક સ્તરે સ્થળ તપાસણી કરવામાં આવી હતી અને તમામ વેપારીઓને ઉત્પાદન સ્થળે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.
પાટણમાં ફૂડ વિભાગે 18 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો:દશેરા પહેલા 28 પેઢીઓમાં તપાસ, 42 સેમ્પલ લેવાયા; 2 વેપારીઓને નોટિસ આપી
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
