સુરતમાં આજે આગની બે ઘટનાઓ સામે આવી છે. અમરોલી રોડ પર વેદાંત સર્કલ નજીક આવેલા અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૪માં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કાપડના યુનિટના ચોથા માળે કામદારો માટે બનાવાયેલા રૂમ પૈકી એક રૂમમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવાજી નગર પાસે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક રેલવે લાઇન પાસે આવેલા ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. સળગતા ચૂલાના કારણે લાગેલી આ આગે જોતજોતમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય પાંચ ઝૂંપડાંને પણ લપેટમાં લઈ લીધા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા અન્ય 6 જેટલા ઝૂંપડાં બચી ગયા હતા. બંને ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. એક ઝૂંપડામાં સળગતા ચૂલાથી આગ ભડકી
ડિંડોલી વિસ્તારમાં શિવાજી નગર નજીક રેલવે ટ્રેક પાસે શ્રમજીવી પરિવારના આશરે 12 જેટલા ઝૂંપડાં આવેલા છે. જેમાં એક ઝૂંપડામાં સળગતા ચૂલાના લીધે અચાનક આગ લાગી હતી. પવન અને ઝૂંપડાંઓમાં રહેલી જ્વલનશીલ ચીજવસ્તુઓના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને જોતજોતમાં આજુબાજુના વધુ પાંચ ઝૂંપડાંને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આમ, કુલ 6 ઝૂંપડાં આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી
ઘટનાની જાણ થતાં જ બે ફાયર સ્ટેશન પરથી તાત્કાલિક ત્રણ ફાયર ટેન્ડરો સાથે ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આશરે 1 થી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સમયસર પહોંચેલા ફાયર ફાઈટરોના પ્રયાસોથી અન્ય 6 ઝૂંપડાંઓને બચાવી લેવાયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. રોકડ રકમ સહિતની ઘરવખરી બળીને ખાખ
આ ભીષણ આગમાં ઝૂંપડાંઓમાં રાખેલી ઘરવખરી, ગાદલા, કપડાં અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત ઝૂંપડાંઓમાં રહેતા શ્રમજીવીઓની જીવનભરની કમાણી પણ સ્વાહા થઈ ગઈ હતી. જેમાં રાહુલ ડામોરના ₹80,000 રોકડા, ગંગૂર ડામોરના ₹50,000 રોકડા, નાનજી સિંગઠાણના ₹15,000 રોકડા આમ, કુલ ₹1.45 લાખ જેટલી રોકડ રકમ સહિતનો ઘરવખરીનો તમામ સામાન આગની જવાળાઓમાં રાખ થઈ જતાં ગરીબ પરિવારો નિરાધાર બની ગયા છે. રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો
મળતી માહિતી મુજબ, અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૪માં આવેલા કાપડના એકમના ચોથા માળે ત્યાં કામ કરતા શ્રમિકો માટે આશરે ૧૨ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે. ગઈકાલે એક રૂમમાં શ્રમિકો રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકો અને કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી સળગતો સિલિન્ડર બહાર કાઢ્યો
આગ લાગતા જ સ્થળ પર હાજર લોકોએ હિંમત દર્શાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। એટલું જ નહીં, મોટી દુર્ઘટના ટાળવા માટે લોકોએ સળગતા સિલિન્ડર પર લાગેલી આગ ઓલવી તેને સમયસર રૂમની બહાર લાવી દીધો હત. આ સમયસૂચકતાના કારણે આગ અન્ય રૂમોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટો અનર્થ ટળ્યો હતો. ઘરવખરી અને કાપડ બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી
આ આગમાં રૂમમાં રહેલો તમામ સામાન, ઘરવખરી અને કાપડ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અડધા કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતમાં આગની બે ઘટના, અંજની ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી આગ:ચોથા માળે રહેતા કામદારોમાં દોડધામ, ચૂલામાંથી આગ ભડકતા 6 ઝૂંપડાં ખાખ, રોકડ સહિત ઘરવખરી બળી ગઈ
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
