અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી,લૂંટ કે ગુમ થયેલા કિંમતી સામાન અને વાહનો શોધીને તેના મૂળ માલિકોને પરત આપવા માટે હાથ ધરાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિવિધ ઝોન અને શાખાઓ દ્વારા કુલ ₹20,86,51,572/-ની કિંમતનો મુદ્દામાલ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. (SOG) દ્વારા અત્યંત આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, શહેરના વિવિધ ઝોન અને શાખાઓ દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરી કુલ અંદાજે રૂ.31.75 કરોડની મત્તાના પ્રતિબંધિત નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.આ ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 155 કેસ નોંધવામાં આવ્યા છે.
મુદ્દામાલની મુખ્ય વિગતો
મોબાઇલ ફોન
શહેરના ઝોન-1 થી ઝોન-8 અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલા કુલ 5538 મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યા છે.જેની કુલ કિંમત ₹9,15,67,131/- થાય છે.જેમાં સૌથી વધુ 1385 મોબાઇલ ઝોન-4 માંથી રિકવર કરાયા હતા.
સોના-ચાંદીના દાગીના અને રોકડ
ચોરી કે ગુનાઓ સંબંધિત રિકવર કરાયેલા ₹10,17,05,441/-ની કિંમતના સોના-ચાંદીના દાગીના,રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન માલિકોને સોંપવામાં આવ્યો છે.જેમાં ઝોન-5 માંથી સૌથી વધુ ₹4.72 કરોડથી વધુની રકમ અને દાગીના પરત કરાયા છે.
વાહનોની વાપસી
શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા કે ગુમ થયેલા 171 ટુ-વ્હીલર (કિંમત ₹63.79 લાખ), 34 થ્રી-વ્હીલર (કિંમત ₹24.20 લાખ) અને 15 ફોર-વ્હીલર (કિંમત ₹65 લાખ) મળીને કુલ 220 વાહનો (કુલ કિંમત ₹1,52,99000/-) તેના માલિકોને પરત કરવામાં આવ્યા છે.
નાસતા ફરતા આરોપીઓની ધરપકડ
આ કામગીરી દરમિયાન પોલીસે વિવિધ ઝોન,ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો દ્વારા કુલ 475 નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં એકલી ક્રાઇમ બ્રાન્ચે જ 283 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત, સમાજ સુધારણાના ભાગરૂપે ડ્રગ્સ તથા નશાની લતે ચડેલા કુલ 150 લોકોને પુનર્વસન સેન્ટર ખાતે મોકલીને સારવાર આપવાની પ્રશંસનીય કામગીરી પણ કરવામાં આવી છે.
મુખ્ય ડ્રગ્સ અને જપ્ત કરાયેલ જથ્થાની વિગતો
એમ.ડી. ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈન
શહેરમાંથી કુલ 54 કેસમાં 8.65 કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ અને 1 કેસમાં 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઈન પદાર્થ ઝડપાયો છે જેની બજાર કિંમત કરોડો રૂપિયામાં થાય છે.ખાસ કરીને ઝોન-4 અને એસ.ઓ.જી.દ્વારા મોટા પાયે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.
ગાંજો પકડવાના કેસ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ગાંજાના કુલ 67 કેસ નોંધાયા છે, જેમાં અંદાજે 609 કિલોગ્રામથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
કફ સીરપ અને અન્ય નશીલી દવાઓ
નશાના હેતુથી વપરાતી 11302 જેટલી કફ સીરપની બોટલો તેમજ આલ્પ્રાઝોલમ જેવી પ્રતિબંધિત ટેબ્લેટ્સ પણ મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવી છે.
કોકેઈન,ચરસ અને અફીણ
પ્રતિબંધિત વિદેશી ડ્રગ્સ જેમ કે કોકેઈન (234 ગ્રામ), ચરસ અને અફીણનો જથ્થો પણ જપ્ત કરીને દાણચોરો અને પેડલરો વિરુદ્ધ સખત કાનૂની પગલાં લેવામાં આવ્યા છે.
