વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે રાજ્યભરમાં અસત્ય પર સત્યના વિજય તરીકે રાવણ દહનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના સંધાણા ગામે યોજાયેલા રાવણ દહનના કાર્યક્રમે રાજ્યવ્યાપી મોટો રાજકીય વિવાદ છેડી દીધો છે. સંધાણા ગામે દશેરાના પર્વે તૈયાર કરાયેલા દસ માથાવાળા રાવણના પૂતળામાં મુખ્ય ચહેરા તરીકે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓના ચહેરા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પૂતળા પર ‘દેશદ્રોહી’ લખાણ લખી પ્રતીકાત્મક વિરોધ દર્શાવાયો હતો. કાર્યક્રમ દરમિયાન લોકો ખુલ્લેઆમ હાથમાં તલવારો જેવા ઘાતક હથિયારો લઈને પહોંચ્યા હોવાની બાબત સામે આવતાં કાયદો-વ્યવસ્થા અને પોલીસ પ્રશાસનની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
વિપક્ષી નેતાઓના ચહેરાવાળા રાવણનું દહન; પૂતળા પર લખ્યું ‘દેશદ્રોહી’
માતર તાલુકાના સંધાણા ગામે દશેરા પર્વ નિમિત્તે દસ માથાવાળા રાવણનું એક વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું.આ પૂતળાના મુખ્ય મુખ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચહેરો લગાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય માથાઓ પર દેશના વિવિધ અગ્રણી વિપક્ષી નેતાઓના ફોટોગ્રાફ્સ ચોંટાડવામાં આવ્યા હતા.પૂતળાની છાતી અને વિવિધ ભાગો પર મોટા અક્ષરે ‘દેશદ્રોહી’ લખીને વિપક્ષી નેતાઓ સામે આક્રોશ અને પ્રતીકાત્મક વિરોધ વ્યક્ત કરાયો હતો.સ્થાનિક ગ્રામજનો તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાજેશ પટેલની આગેવાનીમાં આ વિવાદિત પૂતળાનું અગ્નિદાહ આપી દહન કરવામાં આવ્યું હતું.
જાહેરમાં ખુલ્લી તલવારો લહેરાવાઈ
કાર્યક્રમ દરમિયાન કાયદાના ઉલ્લંઘનને લઈને વિવાદ વધુ વકર્યો છે.પૂતળા દહનના કાર્યક્રમ દરમિયાન એકત્રિત થયેલા કેટલાક લોકોના હાથમાં ખુલ્લી તલવારો જોવા મળી હતી.જાહેર સ્થળે ભીડ વચ્ચે તલવારો જેવા જીવલેણ હથિયારો લઈને પ્રદર્શન કરવામાં આવતાં સ્થાનિક કક્ષાએ ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો.સામાન્ય સંજોગોમાં જાહેરનામા હેઠળ હથિયારબંધીનો કડક અમલ કરાવતી પોલીસ આ મામલે શું વલણ અપનાવશે તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.
શું પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે? ઉઠ્યા ગંભીર સવાલો
વિવાદિત રાવણ દહનનો વીડિયો અને તસવીરો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા વિપક્ષી નેતાઓને ‘રાવણ’ અને ‘દેશદ્રોહી’ તરીકે દર્શાવવા સામે કોંગ્રેસ સહિતના વિપક્ષી છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જાહેરમાં ખુલ્લા હથિયારો સાથે દહન કરનારા લોકો અને સ્થાનિક આગેવાનો સામે પોલીસ જાહેરનામા ભંગ કે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરશે કે કેમ તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.હાલ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસનું સત્તાવાર વલણ શું રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
