ગુજરાતના જંગલોમાં છેલ્લા એક વર્ષથી એકલા ફરી રહેલા એકમાત્ર નર વાઘના પુનર્વસન અને વંશવૃદ્ધિ માટે કેન્દ્રીય સ્તરેથી મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સમિતિએ તજજ્ઞો સાથે મળીને તૈયાર કરેલા 30 પાનાના વિસ્તૃત રિપોર્ટ બાદ આ દરખાસ્તને આગળ ધપાવવામાં આવી છે.તજજ્ઞોની આ વિશેષ પેનલે પોતાના સર્વેક્ષણ પછી ગુજરાતના વનવિસ્તારને માદા વાઘના સુરક્ષિત સ્થળાંતર માટે સંપૂર્ણપણે અનુકૂળ અને યોગ્ય ગણાવ્યો છે.આ અહેવાલ ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રાલયને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો છે.જેમાં વાઘણોના આગમનને યોગ્ય ઠેરવાયું છે.
બે વાઘણ લાવવાની ખાસ ભલામણ કરવામાં આવી
ફેબ્રુઆરી 2025માં ગુજરાતમાં પ્રવેશેલો લગભગ ચાર વર્ષની વયનો આ નર વાઘ રતનમહાલ અભયારણ્ય તેમજ દેવગઢબારિયાના વનવિસ્તારમાં સક્રિયપણે ભ્રમણ કરી રહ્યો છે.આ વાઘની મુક્ત હિલચાલ દાહોદ, છોટા ઉદેપુર અને સાગબારા સુધીના વિશાળ ક્ષેત્રમાં નોંધાઈ છે.વનતંત્ર દ્વારા તેના દરેક પગલે નજર રાખવામાં આવી રહી છે અને તેના ભ્રમણ માર્ગનો સઘન અભ્યાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે.વન વિભાગ અને રાષ્ટ્રીય ઓથોરિટી દ્વારા એકને બદલે બે વાઘણ લાવવાની ખાસ ભલામણ કરવામાં આવી છે.જે નર વાઘના મુવમેન્ટ પેટર્નને આધાર બનાવીને નક્કી કરાઈ છે.નિષ્ણાતોનું માનવું છે કે નર વાઘના ક્ષેત્રના બે અલગ-અલગ ભાગોમાં બે માદા વાઘણોને મુક્ત કરવામાં આવે તો તેમના મેળાપની અને સફળ પ્રજનનની શક્યતા ઘણી વધી જશે.પ્રસ્તાવ મુજબ એક વાઘણને છોટા ઉદેપુર નજીકના જંગલમાં અને બીજી વાઘણને સાગબારા નજીકના વનવિસ્તારમાં છોડવાની યોજના રાખવામાં આવી છે.
વાઘ પરિવારના અસ્તિત્વ અને સંવર્ધનને મજબૂત પીઠબળ
આ બંને માદા વાઘણોની ઉંમર પણ નર વાઘ જેટલી એટલે કે આશરે ચાર વર્ષની જ પસંદ કરવામાં આવશે.સમાન વયજૂથ હોવાને કારણે પ્રજનનની અનુકૂળતા શ્રેષ્ઠ રહેશે.બે અલગ સ્થળોએ માદા વાઘણોને છોડવાનો આ વ્યુહાત્મક નિર્ણય નર વાઘના મુક્ત સ્વભાવ સાથે સુસંગત છે.વન વિભાગને આશા છે કે આ યોજનાથી રાજ્યમાં દાયકાઓ પછી વાઘની કાયમી વાપસી શક્ય બનશે અને જંગલો ફરી ધબકતા થશે.નવા વસવાટમાં વાઘની સ્થિરતા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં શિકારની ઉપલબ્ધતા અનિવાર્ય શરત ગણાય છે.રતનમહાલ અભયારણ્ય વિસ્તાર આ બાબતમાં અત્યંત સમૃદ્ધ હોવાનું સામે આવ્યું છે.કારણ કે અહીં નીલગાય અને જંગલી ભૂંડ જેવા શિકાર પ્રાણીઓની વિપુલ હાજરી છે.શિકારના પ્રાણીઓની આ ઉપલબ્ધતાને કારણે જ તજજ્ઞોની પેનલે આ સમગ્ર વિસ્તારને વાઘની વસતિને લાંબા સમય સુધી ટેકો આપવા માટે સંપૂર્ણ સક્ષમ અને યોગ્ય માન્યો છે. આ કુદરતી ખોરાકની સાનુકૂળતા વાઘ પરિવારના અસ્તિત્વ અને સંવર્ધનને મજબૂત પીઠબળ પૂરું પાડશે.
