મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સર સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની કથળેલી સ્થિતિ સામે આવી છે. હોસ્પિટલમાં સ્ટાફની ભારે અછતના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં પોતાના સ્વજનોની સારવાર માટે આવતા પરિવારજનો જાતે જ દર્દીઓને સ્ટ્રેચર પર બેસાડીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા મજબૂર બન્યા છે. સ્ટાફના અભાવે સારવાર સમયસર ન મળતાં અને વર્ગ-3 તથા વર્ગ-4 ના કર્મચારીઓના ખરાબ વર્તનને કારણે દર્દીઓના સગામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
500 કર્મચારી અને 100 ડોક્ટર-નર્સની જગ્યાઓ ખાલી
SSG હોસ્પિટલમાં ચાલતી આટલી મોટી લાપરવાહી પાછળ ખાલી પડેલી જગ્યાઓ મુખ્ય કારણ છે. પ્રાપ્તી માહિતી અનુસાર, હોસ્પિટલમાં વર્ગ-3 અને વર્ગ-4 ના મળીને કુલ 500 થી વધુ કર્મચારીઓની જગ્યાઓ ખાલી પડી છે. આ ઉપરાંત, દર્દીઓની સીધી સારવાર કરતા 100 જેટલા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની જગ્યાઓ પણ લાંબા સમયથી ભરાઈ નથી. એટલું જ નહીં, દર્દીઓને લાવવા-લઈ જવા માટે ઉપલબ્ધ 12 એમ્બ્યુલન્સ વાહનો સામે માત્ર 8 જ ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.
SSG તંત્ર અને RMO એ સ્ટાફની અછતની વાસ્તવિકતા સ્વીકારી
દર્દીઓની વધતી જતી ફરિયાદો અને હોસ્પિટલ પરિસરમાં સર્જાયેલી અસંતોષજનક સ્થિતિ અંગે જ્યારે SSG હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની મર્યાદા સ્વીકારી હતી. હોસ્પિટલના આરએમઓ (RMO) એ મીડિયા સમક્ષ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે SSG માં સ્ટાફની ભારે અછત એ વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા છે. ઉપરી કક્ષાએ ખાલી જગ્યાઓ ભરવા અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પૂરતા ઉપલબ્ધ સ્ટાફ સાથે જ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News : દર્દીઓની મુશ્કેલીઓનો આવશે અંત!, સોલા સિવિલમાં સારવાર ઝડપી બનાવવા કમિટીની રચના
