રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેને ઘાયલ સૈનિકને બચાવવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો. યુક્રેનિયન સૈનિક લગભગ દોઢ વર્ષથી લેન્ડમાઇન ધરાવતા વિસ્તારમાં ફસાયેલો હતો. ત્યાં બચાવ દળ મોકલવું જોખમી હતું. આ કારણે આયુડેગ-6 નામના ડ્રોન દ્વારા સૈનિકને એરલિફ્ટ કરવામાં આવ્યો. ડ્રોન બનાવનારી યુક્રેનિયન કંપની ગુર્જુફ ડિફેન્સે દાવો કર્યો છે કે કોઈ ઘાયલ સૈનિકને આ રીતે બચાવવાનો આ વિશ્વનો પ્રથમ મામલો છે. બચાવ સાથે જોડાયેલા 2 તસવીરો ડ્રોનની નીચે બાંધીને સૈનિકને બચાવ્યો યુક્રેનની સરકારી સૈન્ય સમાચાર એજન્સી આર્મી ઇન્ફોર્મના જણાવ્યા અનુસાર, આ સૈનિક 30મી મિકેનાઇઝ્ડ બ્રિગેડનો હતો. રશિયન ડ્રોનની હાજરી અને જમીન પર બિછાવેલી લેન્ડમાઇનને કારણે તેને પગપાળા અથવા વાહન દ્વારા બહાર કાઢવો જોખમી હતો. આવી સ્થિતિમાં યુક્રેનની ડ્રોન બનાવતી કંપની ગુરજુફ ડિફેન્સે તેને મફતમાં ડ્રોન આપ્યો. સૈનિકને એક ખાસ બેલ્ટ વડે ડ્રોનની નીચે બાંધવામાં આવ્યો અને ત્યારબાદ તેને હવામાં ઉઠાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો. આ દરમિયાન સૈનિકની ડ્રોન ઉડાડતા ઓપરેટર સાથે સતત વાતચીત થતી રહી. યુક્રેન દર વર્ષે 10 લાખ સસ્તા ડ્રોન બનાવી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ સતત વધ્યો છે. 2023માં પહેલીવાર યુક્રેને ડ્રોનથી મોસ્કો પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં આ હુમલાઓમાં ઓછા ડ્રોનનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે યુક્રેન લાંબા અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ બની ગયું છે. યુક્રેને સસ્તા ડ્રોન બનાવવાની ક્ષમતા પણ વધારી છે. હવે તે દર વર્ષે આશરે 10 લાખ સસ્તા ડ્રોન બનાવી શકે છે. યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ, વીજળી કેન્દ્રોને નુકસાન 19 ઑક્ટોબરે રશિયાએ યુક્રેન પર મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. રોયટર્સ અનુસાર, રશિયાએ કીવ અને આસપાસના વિસ્તારો તરફ 16 બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. આ ઉપરાંત, દેશના અલગ-અલગ વિસ્તારોમાં 200થી વધુ ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં વીજળી સાથે જોડાયેલા 10થી વધુ કેન્દ્રોને નુકસાન પહોંચ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, હુમલાઓને કારણે 5 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી. યુક્રેનના અનેક વિસ્તારોમાં સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું છે. ટ્રમ્પ સમજૂતી માટે યુક્રેન પર દબાણ બનાવી રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લગભગ 4 વર્ષથી ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે યુક્રેન રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી કરે. આ દરમિયાન, અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે 20 ઑક્ટોબરે નૉર્વેના ઓસ્લોમાં ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે વાતચીત કરી. ત્યારબાદ વિટકોફ 21 ઑક્ટોબરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાના છે. અમેરિકા તરફથી મદદ મળવામાં થઈ રહેલા વિલંબથી યુક્રેન પરેશાન રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી બચવા માટે યુક્રેનને અમેરિકા તરફથી મળતી સૈન્ય મદદની જરૂર છે. ઝેલેન્સ્કીએ હથિયારોના પુરવઠામાં વિલંબ અને રશિયન મિસાઇલ હુમલાઓની અગાઉથી માહિતી ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે મંગળવારે ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની વાતચીત બાદ યુક્રેનને રશિયન મિસાઇલ હુમલાઓની અગાઉથી માહિતી મળવાની વ્યવસ્થા ફરી શરૂ થઈ ગઈ છે.
વિશ્વમાં પ્રથમ વખત ડ્રોનથી ઘાયલ સૈનિકનું રેસ્ક્યૂ:યુક્રેનિયન સૈનિક દોઢ વર્ષથી સરહદ પર ફસાયેલો હતો, ચારેય તરફ લેન્ડમાઈન બિછાવેલી હતી
📅 Published: October 21, 2026 |
📂 Category: International
