અમેરિકામાં 50 વર્ષ બાદ નવી રિફાઇનરી બનશે:માર્કો રુબિયો અને મુકેશ અંબાણીની આજે મુલાકાત, વેનેઝુએલાનું કાચું તેલ રિફાઇન કરવા અંગે ચર્ચા થશે

📅 Published: October 21, 2026 | 📂 Category: International

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરમાં દુનિયાના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે પણ મુલાકાત કરશે. રુબિયો રિલાયન્સ સાથે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રિફાઇન કરવા અંગે ચર્ચા કરશે. મીડિયા અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પ્રથમ રિફાઇનરી હશે. આ જ કારણે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રુબિયોની જામનગર મુલાકાત 3 કારણોથી મહત્ત્વપૂર્ણ… 1. અમેરિકામાં ડીઝલના ભાવ 155 રૂપિયા પ્રતિ લિટરને પાર 2. રિલાયન્સ વેનેઝુએલાથી વધુ તેલ ખરીદે 3. અમેરિકામાં રિલાયન્સનું 300 અબજ ડૉલરનું રોકાણ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે જામનગર રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. રૂબિયોએ કહ્યું- ભારત રિફાઇનિંગ સુપરપાવર મંગળવારે મુંબઈ પહોંચેલા રૂબિયોએ ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું. તેમણે કહ્યું, ‘ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.’ મે બાદ રૂબિયોની બીજી ભારત મુલાકાત માર્કો રૂબિયોની મે મહિનામાં થયેલી અગાઉની મુલાકાત બાદ આ બીજી ભારત મુલાકાત છે. મે મહિનામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. શું રૂબિયોની મુલાકાતથી ભારત-અમેરિકાના સંબંધો ફરી પાટા પર આવશે? છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. પછી ભલે તે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લગાવતો લિન્ડસે ગ્રેહામ ઍક્ટ પસાર કરવાનો મામલો હોય કે પછી ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઓના કર્મચારીઓને ગ્રીન કાર્ડમાં મળતી છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય હોય. જોકે, રૂબિયોની ભારત મુલાકાત પહેલાં 16 ઑક્ટોબરે ટ્રમ્પે તેના પર અસ્થાયી રોક લગાવી દીધી અને કહ્યું કે તેનાથી અમેરિકાને ફાયદો થશે. ભારતીય થિંકટૅન્ક ‘ધ ઇમેજઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ’ના સિનિયર જિયોપૉલિટિકલ નિષ્ણાત રોબિન્દર સચદેવા માને છે કે રુબિયોનું ધ્યાન નવી દિલ્હીની પરંપરાગત રાજનીતિને બદલે મુંબઈ અને જામનગર જેવા વ્યાપારી કેન્દ્રો પર છે. તેનો હેતુ કોર્પોરેટ સોદા, રિફાઇનરી ક્ષેત્રમાં ભાગીદારી, રોકાણ અને બંને દેશો વચ્ચેના બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોને વધારવાનો છે. પૉલિટિકલ કૉલમનિસ્ટ પ્રતાપ ભાનુ મહેતા લખે છે કે રુબિયોનું દિલ્હી જવાને બદલે મુંબઈ-જામનગર જવું એ સંકેત હોઈ શકે છે કે અમેરિકા ભારતનાં વ્યાપારી કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે અને રાજકીય કેન્દ્રને ઓછી તવજ્જો આપી રહ્યું છે. પરંતુ માત્ર વ્યાપારી સોદાઓ પર આધારિત સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીને ટકાવી રાખવા માટે પૂરતો ન હોઈ શકે. અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન સાથે પણ મુલાકાત કરશે ગુજરાત જવા પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી ભારતના અન્ય મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરવાના છે. તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે ચર્ચા થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *