ખેરાલુ તાલુકાના મૂળ વિઠોડા ગામના વતની અને હાલ પાટણ ખાતે રહેતા જીલ્લા પંચાયતના કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો દરવાજા અને તિજોરીના લોક તોડી ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ પાણીની મોટર મળી ₹ 31,500ના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘરના દરવાજાનું લોકલ તૂટેલું છે, માતાએ માહિતી આપી
વિઠોડા ગામના વતની અને હાલ પાટણની વ્રજ એક્ઝોટીકા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર ફુલજીભાઈ ચોધરી પાટણ જિલ્લા પંચાયતની આંકડા શાખામાં સંશોધન તરીકે નોકરી કરે છે. 18 ઓક્ટોમ્બર 2026ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે વિઠોડા ખાતે રહેતા તેમના માતા જવલબેને ફોન કરીને જાણ કરી હતી કે ગામના ઘરે દરવાજાનું લોક તૂટેલું છે અને તિજોરીમાંથી સામાન તથા પૈસાની ચોરી થઈ છે. ઘરમાં સામાન વેરવિખેર હતો
આ ઘટના અંગે 112 નંબર પર જાણ કર્યા બાદ જીતેન્દ્રકુમાર તેમના પરિવારો સાથે વિઠોડા ખાતે પહોંચ્યા હતા. ત્યાં આવીને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. ઘરની અંદર પ્રવેશ કરી જોતાં તિજોરીના દરવાજા તથા અંદરના લોકરના પણ લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડ્યો હતો. 31 હજારની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું
તપાસ દરમિયાન તિજોરીમાંથી પત્નીની ચાંદીની જૂની શેરો (₹10,000), દીકરીની ચાંદીની નવી શેરો (₹ 6,000), ચાંદીના નાના કડા (₹ 4,000), ચાંદીની લકી તથા પંજા (₹3,500) મળી કુલ ₹23,500 ના ચાંદીના દાગીના ગાયબ હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલા રોકડા ₹ 5,000 તથા ઘરમાં મુકેલી ₹ 3,000ની કિંમતની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર મળી કુલ ₹ 31,500ના મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. 17 ઓક્ટોમ્બર 2026ના સાંજના સાતેક વાગ્યાથી 18 ઓક્ટોમ્બર 2026 ના સવારના સાતેક વાગ્યા દરમિયાનના સમયગાળામાં અજાણ્યા ચોર ઈસમોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે જીતેન્દ્રકુમાર ચોધરીની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરાલુના વિઠોડા ગામે બંધ મકાનમાંથી ₹31 હજારના મત્તાની ચોરી:દરવાજા અને તિજોરીના લોક તોડી ચાંદીના દાગીના-રોકડ લઈને તસ્કરો ફરાર
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
