વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ કાળો કેર વર્તાવ્યો છે. વડોદરા ગ્રામ્ય હદ વિસ્તારમાં રાયપુરથી અપાડ વચ્ચેના હાઇવે માર્ગ પર માર્ગની સાઈડમાં ઊભેલી એક તોતિંગ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે અડધી કાર ટ્રકના પાછળના ભાગમાં દબાઈ ગઈ હતી અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ હૃદયદ્રાવક બનાવમાં કારમાં સવાર માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પરિવાર મુંબઈ જઈ રહ્યો હતો ને સર્જાયો કાળમુખો બનાવ
અકસ્માત સંદર્ભે સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર કાર ચાલક પોતાના પરિવાર સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.રાયપુરથી અપાડ વચ્ચેના પટ્ટા પર બંધ કે ઊભેલી હાલતમાં રહેલી ટ્રક પાછળ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી ટ્રક નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.ટક્કરના કારણે કારનો આગળનો હિસ્સો કચડાઈ જતાં માતા અને પુત્રી અંદર જ ફસાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના પગલે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
કટરથી કારના પતરાં કાપી મૃતદેહ બહાર કઢાયા
કાર એટલી હદે ટ્રક નીચે દબાઈ ગઈ હતી કે અંદર ફસાયેલા મૃતદેહો અને ઘાયલોને સામાન્ય રીતે બહાર કાઢવા અશક્ય બન્યા હતા.બચાવ ટીમો અને સ્થાનિકોએ હાઇડ્રોલિક કટરની મદદથી કારના દરવાજા અને છતના પતરાં કાપીને ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.કારમાં સવાર અન્ય ઘાયલોને તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.પોલીસે હાઇવે પરથી ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
