AAP-CJPને ગુજરાતની સ્કૂલોમાં નો એન્ટ્રી, સરકારે પરિપત્ર કર્યો:સરકારી સ્કૂલમાં પ્રવેશ માટે કોઈપણને આચાર્યની લેખિત મંજૂરી લેવી પડશે, વિઝિટર રજિસ્ટરમાં નોંધ ફરજિયાત

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા શિક્ષણ વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. હવે શાળાના પરિસરમાં કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. શાળામાં પ્રવેશ માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે અને દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો ઉતારવા, ઇન્ટરવ્યૂ લેવા કે લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે પણ લેખિત મંજૂરી લેવી પડશે. નિયમોનો ભંગ કરનાર સામે પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષક સંઘ દ્વારા પત્ર લખીને કરાઈ હતી માગ
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્કૂલોમાં જઈને ત્યાંની સ્થિતિ ચેક કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના પણ કેટલાંક નેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં જઈને તપાસ કરીને ત્યાંની સ્થિતિ બહાર લાવી રહ્યા હતા. જે સમયે શિક્ષક સંઘ દ્વારા પત્ર લખીને શાળાઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે તે બાદ હવે શિક્ષણ વિભાગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે. જોકે, સત્તાવાર ફરજ બજાવવા માટે નિયમસર અધિકૃત સરકારી અધિકારીઓને આ જોગવાઈમાંથી અપવાદ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાળામાં આવતા દરેક મુલાકાતીએ પ્રવેશ પહેલાં વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે. આચાર્યની પૂર્વ લેખિત મંજૂરીથી જ સ્કૂલમાં રેકોર્ડિંગ કે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે
કોઈપણ બાહ્ય વ્યક્તિ આચાર્ય, શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે અને આચાર્ય કે સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરીથી જ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતના મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ ચાલતી હોય એવા વિસ્તારોમાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત, આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સ્કૂલની પ્રવૃત્તિઓનાં ફોટોગ્રાફ્સ, વીડિયો, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે નહીં. આવી પ્રવૃત્તિઓને માત્ર કાયદેસરના હેતુસર મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી અને ઓળખની ગોપનીયતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સ્કૂલના સત્તાધિકારીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, વિદ્યાર્થીઓનાં ફોટા, વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન કે પ્રસાર ન થાય, જેનાથી તેમની સુરક્ષા, ગૌરવ અથવા ગોપનીયતાને અસર થાય. આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ મુલાકાતી બાળકની વ્યક્તિગત માહિતી એકત્ર કરી શકશે નહીં કે તેની ઓળખ અથવા તસવીર પ્રકાશિત કરી શકશે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *