ફ્રાન્સના વિદ્યાર્થી આંદોલનમાં એક અજીબ-સૂત્ર ‘બિસ્મિલ્લાહ, સે લે તેનૈબ્રે’ વાયરલ થઈ ગયું છે. Gen-Z વિદ્યાર્થીઓ પોલીસને ચીડવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. આ વાક્યનો અર્થ શું છે? બિસ્મિલ્લાહ (અરબી): અલ્લાહના નામે સે લે તેનૈબ્રે (ફ્રેન્ચ): આ અંધકાર છે બંનેને જોડીએ તો તેનો આશરે અર્થ ‘અલ્લાહના નામે આ અંધકાર છે’ થાય છે. જોકે, આ ફ્રેન્ચ ભાષાનું કોઈ વાક્ય નથી. તેની વિચિત્ર રચના અને અજીબ શબ્દોના મેળને કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. ભારતમાં પણ જુલાઈમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન ‘વાસ્તેગુના હુઇંયા’ સ્લૅંગ ચર્ચામાં આવ્યું હતું. તેનો પણ કોઈ ખાસ અર્થ નહોતો. તે વાયરલ થયેલા અંગ્રેજી વાક્ય ‘કેન આઈ ગેટ અ હોયા’નું બગડેલું રૂપ હતું. આ નારો ક્યાંથી આવ્યો? ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ નારો સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ પર ઉપયોગમાં લેવાયો હતો. એક વ્યક્તિએ ગયા મહિને વિદ્યાર્થી પ્રદર્શનનું આયોજન કરનારા લોકોના પ્રાઇવેટ ચેટ ગ્રુપમાં જોડાવા માટે સ્નેપચેટ પર કેટલાક લોકોને મેસેજ મોકલ્યા હતા. તેણે લખ્યું, ‘બિસ્મિલ્લાહ, સે લે તેનૈબ્રે.’ ત્યારબાદ તેણે કહ્યું, ‘અમે બધું તોડી નાખીશું.’ તેણે અલગ-અલગ નામોથી અનેક પ્રોફાઇલ બનાવીને આ મેસેજ મોકલ્યા હતા. તેમાં મામાદૂ અને અબ્દેલ્લાહ જેવા નામો સામેલ હતા. કેટલીક પ્રોફાઇલ પર અલ્જીરિયાના ધ્વજવાળા ઇમોજી પણ લગાવવામાં આવ્યા હતા. મેસેજની ભાષા અને અંદાજ કેટલાક સ્નેપચેટ યુઝર્સને વિચિત્ર અને રમૂજી લાગ્યા. તેમણે આ મેસેજના સ્ક્રીનશૉટ લીધા અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધા. ત્યાર બાદ આ વાક્ય ચર્ચામાં આવી ગયું. યુવાનોને લાગ્યું કે પોલીસે જ આ મેસેજ મોકલ્યો છે ઘણા યુવાનોને શંકા થઈ કે આ મેસેજ પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ મોકલ્યા છે. તેમને લાગ્યું કે અધિકારીઓ વિદ્યાર્થી આંદોલનોની આંતરિક માહિતી મેળવવા માટે યુવાનોની ઓળખ ધારણ કરીને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મેસેજમાં વપરાયેલી અણઘડ ભાષાને કારણે તેમના આ પ્રયાસ પર સવાલો ઊઠવા લાગ્યા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ પોલીસની મજાક ઉડાવવા માટે ‘બિસ્મિલ્લાહ, સે લે તેનૈબ્રે’ વાક્યનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ વાક્ય પ્રદર્શનનો ભાગ બની ગયું અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવી ગયું. ફ્રાન્સ બાદ અન્ય યુરોપિયન દેશોમાં પણ પહોંચ્યું આ સૂત્ર આ સૂત્ર હવે માત્ર ફ્રાન્સ પૂરતું મર્યાદિત નથી. બેલ્જિયમ અને જર્મનીમાં યોજાયેલા કેટલાક વિરોધ પ્રદર્શનોમાં પણ યુવાનો તેનો ઉપયોગ કરતા જોવા મળ્યા. જેના કારણે આ વાક્ય અન્ય દેશોમાં પણ ચર્ચાનો વિષય બની ગયું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સૂત્રની અજુગતી ભાષા પરથી ખબર પડે છે કે સરકાર અને યુવાનો વચ્ચે કેટલું અંતર છે. ફ્રાન્સના એક વિદ્યાર્થી સંગઠનની પ્રવક્તા સબરીન ખરબાચે કહ્યું કે કોઈ પણ યુવાન આ રીતે વાત કરતો નથી. તેમના જણાવ્યા અનુસાર, આ સૂત્ર દ્વારા યુવાનોએ એવા લોકોની મજાક ઉડાવી, જેઓ આંદોલનની અંદરની માહિતી મેળવવા માટે યુવાનોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનું આંદોલન કેવી રીતે શરૂ થયું હતું? ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ગયા મહિને શરૂ થયું હતું. સેંકડો શાળાઓના વિદ્યાર્થીઓ જર્જરિત ઇમારતોની મરામત, શિક્ષકોની અછત, વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને અભ્યાસનું દબાણ ઓછું કરવાની માંગ કરી રહ્યા હતા. વિદ્યાર્થી આંદોલનમાં મજૂર સંગઠનો અને અન્ય લોકો પણ જોડાયા. ત્યારબાદ મોંઘવારી સામે પણ પ્રદર્શનો થવા લાગ્યા.
‘બિસ્મિલ્લાહ સે લે તેનૈબ્રે’ ફ્રાન્સના આંદોલનનું સૂત્ર બન્યું:Gen-Z પોલીસને ચીડવી રહ્યા; ભારતમાં પણ ‘વાસ્તેગુના હુઇંયા’ ફેમસ થયું હતું
📅 Published: October 21, 2026 |
📂 Category: International
