ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ટીમ ઈન્ડિયાનું ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ સ્વાગતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર પણ જોવા મળ્યા હતા. બંને ટીમના ખેલાડીઓએ માથું અને નાક અડાડીને એકબીજાનું અભિવાદન કર્યું હતું.
શું છે માઓરી પરંપરા ‘હોંગી’?
ન્યૂઝીલેન્ડના માઓરી સમુદાયમાં અભિવાદન કરવાની આ પરંપરાને ‘હોંગી’ (Hongi) કહેવામાં આવે છે. આ પરંપરામાં બે લોકો એકબીજાની નજીક આવીને નાક અડાડે છે. ઘણી વખત તેઓ એકબીજાનું કપાળ પણ અડાડે છે. આ માત્ર અભિવાદન કરવાની રીત નથી, પરંતુ એકબીજા પ્રત્યે સન્માન, એકતા અને આત્મીયતા દર્શાવવાનું પ્રતીક છે. માઓરી સંસ્કૃતિમાં આ પરંપરા જીવનના શ્વાસની આપ-લે સાથે પણ જોડાયેલી છે. તેને ‘હા’ (Ha) કહેવામાં આવે છે. આ રીતે મહેમાનો અને સ્થાનિક લોકો વચ્ચે જોડાણ અને પોતાના હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.

કોરોના દરમિયાન આ પરંપરા પર રોક લગાવાઈ હતી
માઓરી સમુદાયની સંસ્કૃતિમાં ‘હોંગી’નું ખાસ મહત્વ છે. જોકે, કોરોના મહામારી દરમિયાન ચેપ ફેલાવાનો ખતરો હોવાથી માઓરી સમુદાયની કેટલીક જનજાતિઓ અને સંસ્થાઓએ આ રીતે અભિવાદન કરવા પર અસ્થાયી રોક લગાવી હતી.
22 ઓક્ટોબરથી શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાશે. બીજી મેચ પણ 24 ઓક્ટોબરે આ જ મેદાન પર રમાવાની છે. આ સિરીઝ પહેલાં બંને ટીમના ખેલાડીઓનું માઓરી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.
