ગાંધીનગરના કુડાસણની સીમમાં આવેલી જમીન સસ્તા ભાવે અપાવવાની અમદાવાદના બિલ્ડરને લાલચ આપીને હાંસોલના ભેજાબાજ શખ્સે મુળ ખેડૂતની જાણ બહાર બારોબાર જમીનનો સોદો નક્કી કરી નાખ્યો હતો. તેમજ બાના પેટે કુલ 51 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે બિલ્ડરની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગાની જમીન હોવાનું કહી બિલ્ડરને વિશ્વાસમાં લીધા
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન તથા જમીન લે-વેચનો ધંધો કરતા રાજેશ છગન પટેલને તેમની ભાટ સર્કલ પાસે આવેલી ઓફિસમાં મુંજાલસિંહ ડાભી મારફતે હાંસોલના રવિ મનુ ઠાકોર સાથે પરિચય થયો હતો. આરોપી રવિએ કુડાસણ ગામની સીમમાં સર્વે/બ્લોક નંબર 298 (178/2) વાળી જમીન તેના સગાની હોવાનું જણાવીને તેનું વેચાણ કરવા માટે પોતાની પાસે સત્તા હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ખેડૂતની ખોટી સહીઓ કરી વકાલાતનામું બનાવ્યું
બાદમાં જમીન પસંદ આવતા બિલ્ડરે સ્થળ પર રોકડા 25 લાખ રૂપિયા આપ્યા હતા. એ વખતે રવિએ ટોકન પેટે કુલ 51 લાખ રૂપિયાની માંગણી કરતા મુંજાલસિંહ ડાભીએ પોતાની પાસેથી 26 લાખ રૂપિયા આપીને કુલ 51 લાખ રૂપિયા રવિ ઠાકોરને ચૂકવ્યા હતા. જેના અવેજીમાં રવિએ મૂળ ખેડૂત વિષ્ણુજી મોતીજી ઠાકોરના નામની ખોટી સહીઓ અને અંગ્રેજીમાં સહી કરેલું 25 લાખ રૂપિયાનું લખાણ તથા વાઉચર પહોંચ અને વકાલાતનામું બનાવીને આપ્યું હતું. જમીન માલિકનો સંપર્ક કરતા બિલ્ડરને છેતરપિંડી થયાની જાણ થઈ
જેના પગલે બિલ્ડરે 51 લાખ સામે 25 લાખનું જ વાઉચર કેમ બનાવ્યું છે તેવી પૂછપરછ કરતા રવિએ બાકીના ખેડૂતની સહીઓ પણ લાવી આપવાની ખાતરી આપી હતી. જોકે સમય વીતવા છતાં તેના તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા બિલ્ડરે મૂળ ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન મૂળ ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રવિ મનુ ઠાકોર નામનો તેમનો કોઈ સગો નથી અને તેમણે કોઈને જમીન વેચાણ આપી નથી અને ન તો કોઈ વાઉચર કે સહીઓ કરી છે. ઉપરાંત ખેડૂતોએ વાઉચર પરની સહીઓ પોતાની ન હોવાનું જણાવતા બિલ્ડરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ મામલે ઇન્ફોસિટી પોલીસે હાંસોલના રવિ મનુ ઠાકોર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સસ્તા ભાવે પ્લોટની લાલચમાં અમદાવાદના બિલ્ડરે લાખો ગુમાવ્યા:ગાંધીનગરમાં ખેડૂતની જાણ બહાર જમીનનો સોદો કરી 51 લાખની ઠગાઈ, હાંસોલના ભેજાબાજ વિરુધ ગુનો દાખલ
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
