સંસ્કારી નગરી વડોદરામાં રમતગમત અને જમીન ફાળવણીને લઈને એક નવો વિવાદ અને ચર્ચા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને 20 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનો પ્લોટ ફાળવવામાં આવતાં જ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવની અગાઉ કરાયેલી પ્લોટની માંગણી સપાટી પર આવી છે. યુસુફ પઠાણને પ્લોટ મળ્યા બાદ હવે તમામની નજર પાલિકા અને સરકાર દ્વારા રાધા યાદવની અરજી પર શું નિર્ણય લેવાય છે તેના પર મંડાયેલી છે.
2025માં રાધા યાદવે કોચિંગ માટે માગ્યો હતો પ્લોટ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025માં રાધા યાદવે વડોદરા આવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પાસે ક્રિકેટ એકેડેમી અને કોચિંગ સેન્ટર શરૂ કરવા માટે પ્લોટની માંગણી કરી હતી. આ માટે તેમણે નિયમોનુસાર પાલિકાને દર મહિને 2 લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવવાની પણ તૈયારી દર્શાવી હતી. વડોદરાનું નામ રોશન કરનાર મહિલા ક્રિકેટર હોવા છતાં તેમની આ અરજી પર લાંબા સમયથી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નહોતો, જેથી રમતરંગ ક્ષેત્રે અસંતોષની લાગણી જોવા મળી રહી હતી.
સરકારે યુસુફ પઠાણના કિસ્સાને ગણાવ્યો ‘સ્પેશિયલ કેસ’
જ્યારે યુસુફ પઠાણને 20 કરોડનો પ્લોટ આપવાના નિર્ણય અને રાધા યાદવની માંગણી વચ્ચેના તફાવત અંગે સવાલો ઉઠ્યા ત્યારે સરકાર અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યુસુફ પઠાણ માટે લેવાયેલો નિર્ણય એક ‘સ્પેશિયલ કેસ’ (વિશેષ કિસ્સો) છે. આ સ્પષ્ટતા બાદ પણ રમતપ્રેમીઓ અને સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું દેશ માટે રમનારી મહિલા ક્રિકેટર રાધા યાદવને પણ આવો જ વિશેષ ન્યાય મળશે કે કેમ. હાલ તો રાધા યાદવની અરજી પર સરકાર અને પાલિકા તંત્ર આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.
જાણો કોણ છે રાધા યાદવ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર અને વડોદરાની દીકરી રાધા યાદવ દ્વારા વડોદરા શહેરમાં યુવા પ્રતિભાઓ માટે ક્રિકેટ પ્રશિક્ષણ શરૂ કરવા અંગે મોટો રસ દાખવવામાં આવ્યો છે. વડોદરામાંથી ક્રિકેટની તાલીમ મેળવીને વડોદરા તથા મુંબઈ તરફથી રમી ચૂકેલી રાધા યાદવે વર્ષ ૨૦૨૫માં ભારતીય મહિલા ટીમ દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : Gandhinagar News : રાજકીય નેતાઓના અચાનક ચેકિંગ વિવાદ બાદ સરકાર સફાળી જાગી, શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ
