ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી બંને કિંમતી ધાતુઓ સસ્તી થઈ છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹5,000થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,700થી વધુનો ઘટાડો નોંધાયો છે.
ગુરુવારે કેટલો ઘટ્યો સોના ચાંદીનો ભાવ ?
સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડી ગયા હતા. ચાંદીના ભાવમાં ₹5,000થી વધુનો ઘટાડો થતાં તે પ્રતિ કિલોગ્રામ ₹2.03 લાખના સ્તરે પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાના ફ્યુચર્સ ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1.44 લાખના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો
છેલ્લા ચાર દિવસથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ ગુરુવારે આ ઘટાડો વધુ તીવ્ર બન્યો. MCX પર ટ્રેડિંગની શરૂઆતમાં, 1 કિલોગ્રામ ચાંદી (જેની એક્સપાયરી 4 ડિસેમ્બર છે)નો ભાવ ઘટીને ₹2,03,798 થઈ ગયો, જે અગાઉના ક્લોઝિંગ ભાવ ₹2,09,168 હતો. આમ, પ્રતિ કિલોગ્રામ દીઠ ₹5,370નો મોટો ઘટાડો નોંધાયો છે.

ઉચ્ચતમ સ્તરની સરખામણીમાં ભાવ કેટલા ઘટ્યા છે?
આ ઘટાડા વચ્ચે, ધાતુના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર (ઓલ-ટાઇમ હાઈ)થી કેટલો ઘટાડો થયો છે તે જાણવું મહત્વપૂર્ણ છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં, MCX પર ચાંદીનો ભાવ પ્રથમ વખત ઐતિહાસિક ₹4 લાખના આંકડાને પાર કરી ગયો હતો અને ₹4,20,048ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. વર્તમાન ભાવ મુજબ, ચાંદી હવે તે સર્વોચ્ચ સ્તર કરતાં ₹2,16,250 નીચે ટ્રેડ થઈ રહી છે.
સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો
માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાના ફ્યુચર્સ ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. ગુરુવારે MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ 24-કેરેટ સોના (4 ડિસેમ્બરની એક્સપાયરી સાથે)ના 10 ગ્રામના ભાવ ઘટીને ₹1,44,311 થઈ ગયા હતા. આ અગાઉ, બુધવારે આ કિંમતી પીળી ધાતુ (સોનું) પ્રતિ 10 ગ્રામ દીઠ રૂ. 146079 ના ભાવે બંધ થઈ હતી. પરિણામે, સોનું પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. 1768 સસ્તું થયું છે.

આ સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
આ સપ્તાહની શરૂઆતથી જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ, એટલે કે શુક્રવારે, સોનાનો ફ્યુચર્સ ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૪૭,૯૧૮ પર બંધ થયો હતો. ગુરુવારે જ્યારે આ અહેવાલ લખવામાં આવ્યો, ત્યાં સુધીમાં ભાવમાં રૂ. 3607નો ઘટાડો નોંધાયો હતો. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો, ૩૦ સપ્ટેમ્બરે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૪૯,૦૩૬ હતો. ત્યારથી તેમાં પ્રતિ 10 ગ્રામ દીઠ રૂ. 4725નો ઘટાડો થયો છે.
દેશના કેટલાક મોટા શહેરોમાં ગોલ્ડ રેટ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,44,530 | 1,32,500 |
| મુંબઈ | 1,44,380 | 1,32,350 |
| કોલકાતા | 1,44,380 | 1,32,350 |
| અમદાવાદ | 1,44,430 | 1,32,400 |
| સુરત | 1,44,430 | 1,32,400 |
આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર
