Sandesh Digital Explainer: ગુજરાતની શાળાઓમાં પ્રવેશનો નિયમ કેમ આવ્યો વિવાદમાં, શું POCSO હેઠળ કાર્યવાહી યોગ્ય છે?

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતની શાળાઓમાં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્ર બાદ વિવાદ સર્જાયો છે.રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે.વાલી સમાન જવાબદારીના સિદ્ધાંતને અનુસરીને જાહેર કરાયેલા આ નવા નિયમો પ્રમાણે કોઈપણ બાહ્ય કે બિનઅધિકૃત વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.શાળામાં આવતા દરેક મુલાકાતીએ પ્રવેશદ્વાર પર જ મુલાકાતી રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો અચૂક નોંધાવવાની રહેશે.કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે ઓડિયો રેકોર્ડિંગ કરવા પર કાયદેસરની કાર્યવાહી થશે.આ નિયમોનો ભંગ કરનાર સામે પોક્સો અને IT એક્ટ હેઠળ પગલાં લેવાશે.

રાજ્ય સરકારના પરિપત્રમાં શું આદેશ છે?

શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે શાળાઓમાં આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ,શિક્ષકો અથવા શાળાકીય પ્રવૃત્તિઓની ફોટો, વીડિયો, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં.શાળાએ પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે વિદ્યાર્થીઓની કોઈ એવી વ્યક્તિગત માહિતી કે તસવીરો પ્રસારિત ન થાય કે જેનાથી તેમની સુરક્ષા જોખમમાં મૂકાય.જો કોઈ શંકાસ્પદ કે અજાણી વ્યક્તિ પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરશે કે શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે.શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડતા મુલાકાતીઓને પ્રવેશ આપવાનો સીધો ઈનકાર કરવાનો અધિકાર પણ આચાર્યને આપવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો એક્ટ, કિશોર ન્યાય અધિનિયમ અને આઈટી એક્ટ સહિતના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

શાળા પરિપત્ર

શું અન્ય રાજ્યોમાં પણ આ નિયમ લાગુ છે?

ગુજરાત પહેલા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની શાળાઓમાં પણ કોઈ અજાણી અથવા અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. બિનઅધિકૃત ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ પર કડક પ્રતિબંધો જાહેર કરાયા હતાં. ગત 17 ઓગસ્ટે રાજસ્થાન સરકારે પણ એક પરિપત્ર જાહેર કરીને અનધિકૃત વ્યક્તિના પ્રવેશ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ પર કડક પ્રતિબંધો જાહેર કર્યા હતાં. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં ગત 16 ઓગસ્ટે અયોધ્યા, આઝમગઢ, બલિયા, બસ્તી, બલરામપુર, શામલી અને આગ્રા સહિતના અનેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આ આદેશ જાહેર કર્યા હતાં. આ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માટે આ રાજ્યોમાં પણ સ્કૂલ કેમ્પસમાં સીસીટીવી ફરજિયાત કરવા અને અજાણી વ્યક્તિઓના પ્રવેશ પર આચાર્યની લેખિત કે મૌખિક મંજૂરી ફરજિયાત કરવાના આદેશો અગાઉ જાહેર કરાયેલા છે.

ગુજરાતમાં કેમ આ નિયમો લાગુ કરાયા?

ગુજરાતની સરકારી શાળાઓમાં ઘૂસી જઈને વારંવાર શાળાની હાલત દર્શાવતા વીડિયો ઉતારતા લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓની હાલત અંગે અવારનવાર અવાજ ઉઠાવ્યો છે.શાળાના ઓરડાની સ્થિતિ, તૂટેલી છત, પાણીની સુવિધા, બાળકો સાથે કરવામાં આવતી સફાઈની કામગીરી સામે સવાલો, બાળકો સાથે શિક્ષકો દ્વારા થતી જાતિય શોષણની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે. ત્યારે સરકારે કોઈપણ વ્યક્તિ મંજૂરી વિના શાળામાં ઘૂસી જઈને ફોટો કે વીડિયો લઈ ના શકે અને બાળકોની ગરિમા અને સુરક્ષા જળવાય તે માટે એક પરિપત્ર કરીને નિયમો જાહેર કર્યા છે. સરકારના આ પરિપત્ર બાદ હવે વિપક્ષ શાળાની પોલ ખોલી નહીં શકે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમોને લઈને પણ સવાલો ઉભા થયાં છે. 

બાળકોની સુરક્ષા

સરકારના આ પરિપત્રને લઈને વિપક્ષ શું કહે છે? 

શાળામાં પ્રવેશ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્રને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણની નિષ્ફળતા છુપાવવા માટે પ્રયાસ કર્યો છે. તેમણે શાળાઓમાં શિક્ષકોની 40 હજાર જેટલી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શાળાઓમાં વર્ગખંડોની અછત અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે પણ કામગીરી નથી કરવામાં આવી.ગુજરાતની 14,565 શાળાઓમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હોવાનો તેમણે દાવો કર્યો હતો. શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપવા અને બાળકોને રાજકીય કાર્યક્રમોમાં લઈ જવા સામે સવાલો ઉઠાવ્યા હતાં. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે એક કાળો કાયદો બહાર પાડ્યો છે. ભાજપ રાજ્યમાં શિક્ષણને જડમૂળથી ખતમ કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે. ભાજપે શિક્ષણને વેપાર બનાવીને મુકી દીધું છે. આવા પરિપત્રોથી તમારા પાપો છુપાવાના નથી. 

આ પરિપત્ર અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી શું કહે છે?

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું છે કે આ પરિપત્રનો ઉદ્દેશ્ય કોઈને રોકવાનો નથી, પરંતુ બાળકો અને શિક્ષકોની સુરક્ષા, ગરિમા અને પ્રાઈવસી જાળવવાનો છે.શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ પરિપત્રમાં બહારની કે બિનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિ ખરાબ ઈરાદા વગર શાળાની મુલાકાત લેવા માંગતી હોય તો તેઓ શાળાના આચાર્ય કે વડાની લેખિત મંજૂરી મેળવીને સરળતાથી પ્રવેશ કરી શકે છે. ભારતીય બંધારણની કલમ 21 હેઠળ દરેક વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.સુપ્રીમ કોર્ટે પણ પુટ્ટસ્વામી કેસમાં રાઈટ ટુ પ્રાઈવસીને મૂળભૂત અધિકાર માન્યો છે. તેથી બાળકો અને શૈક્ષણિક સ્ટાફની સુરક્ષા તેમજ પ્રાઈવસી સુનિશ્ચિત કરવા માટે આ નિયમ ખૂબ જરૂરી છે.શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે જે લોકો કોઈ પણ જાતના રાજકીય સ્વાર્થ કે ખોટા ઈરાદા વગર આવે છે તેમને કોઈ સમસ્યા નથી.પરંતુ શાળાના બાળકોના ફોટોગ્રાફ્સ,વીડિયો કે પર્સનલ વિગતોનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. 

રાજ્ય સરકારના પરિપત્રને લઈને વાલી મંડળનો વિરોધ

શાળામાં પ્રવેશને લઈને રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર અંગે વિદ્યાર્થી વાલી સુરક્ષા સમિતિ વાલી મંડળના પ્રમુખ ભાવિન વ્યાસે કહ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કરેલા આ પરિપત્રથી શાળાઓની સરમુખત્યાર શાહી વધશે. સરકાર બિન અધિકૃત વ્યક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરે. આ પરિપત્રથી વાલી મંડળ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. વાલીઓનું કહેવું છે કે, બાળકોની સુરક્ષા બાબતે પરિપત્ર યોગ્ય છે પણ ક્વોલિટી શિક્ષણ માટે આ પરિપત્ર અયોગ્ય છે. યોગ્ય શિક્ષણ મળે છે કે કેમ તે જાણવા પણ જો પરમિશન લેવી પડે તો તે અયોગ્ય છે. શાળામાં પ્રવેશ બાબતે પોક્સો હેઠળ કાર્યવાહી કરવી પણ અયોગ્ય છે. 

પોક્સો કોર્ટના વકીલ અને શાળા સંચાલક મંડળ શું કહે છે?

પોક્સો સ્પેશિયલ કોર્ટના વકીલ દિલીપભાઈ ઠાકોરનું કહેવું છે કે, પોક્સો ના વધી રહેલા કેસોને ધ્યાને લઈ આ પરિપત્ર જાહેર કર્યો છે. પોક્સોના કેસોમાં પુરાવા મહત્વના હોય છે.અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ કરવાનો ઇરાદો શું છે તે જાણવું જરૂરી છે. જાતીય સતામણી કે શારીરિક છેડછાડ સાબિત ન થાય તો આવા કેસો કોર્ટમાં ટકી શકતા નથી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું હતું કે, આ નિર્ણયથી નાના મોટા રાજકીય સમૂહ ગેરકાયદેસર શાળામાં પ્રવેશતા અટકશે.શાળામાં તોડફોડની પ્રવુતિઓ અટકશે.કેટલાક કિસ્સામાં ખોટી ફરિયાદો પ્રિન્સીપાલ સામે થતી હતી.આ પરિપત્રમાં સામેલ કરાયેલી પોક્સોની બાબત પર વિચારણા કરવી જોઈએ.પોક્સો હેઠળ ગુનો દાખલ કરવાની બાબત દૂર કરવા શાળા સંચાલક મંડળ રજૂઆત કરશે.  

આ પણ વાંચોઃ Ahmedabad News : શાળાઓના દરવાજા હવે કોના માટે રહેશે બંધ અને કોના માટે ખુલ્લા? DEOના આ નવા આદેશથી શિક્ષણ જગતમાં ગણગણાટ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *