ભારતીય ક્રિકેટ ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ અનેક રીતે યાદગાર બની રહી છે. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 226 રનનો વિશાળ સ્કોર સફળતાપૂર્વક ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, તો બીજી તરફ યુવા ઓપનર અભિષેક શર્માએ વ્યક્તિગત સ્તરે એક અદ્ભુત વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રાઈસ્ટચર્ચના મેદાન પર રમાયેલી આ મેચમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા ભારતીય કેપ્ટન રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
અભિષેક શર્મા બન્યો પાવરપ્લેનો નવો સિક્સર કિંગ
ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં અભિષેક શર્માએ આક્રમક શરૂઆત કરતા માત્ર 12 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા સામેલ હતા. આ ઇનિંગ દરમિયાન તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. અભિષેકના નામે હવે કુલ 99 છગ્ગા થઈ ગયા છે, જ્યારે રોહિત શર્માએ પોતાના કરિયરમાં પાવરપ્લે દરમિયાન 98 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ 26 વર્ષીય અભિષેક શર્મા T20 ક્રિકેટના પાવરપ્લે ઓવરોમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર વિશ્વનો નંબર-વન બેટ્સમેન બની ગયો છે.
રોહિત શર્મા અને અન્ય દિગ્ગજોને પાછળ છોડ્યા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માએ ભારત માટે 159 T20 મેચોમાં કુલ 205 છગ્ગા ફટકાર્યા છે, જેમાં પાવરપ્લે દરમિયાન તેના 98 છગ્ગા સામેલ હતા. હવે અભિષેક શર્માએ 99 છગ્ગા સાથે આ યાદીમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ 97 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, UAEના મુહમ્મદ વસીમ (95 છગ્ગા) અને આયર્લેન્ડના સ્ટર્લિંગ (94 છગ્ગા) પણ આ યાદીમાં સામેલ છે.
પહેલા જ બોલ પર સિક્સ ફટકારવાનો અનોખો રેકોર્ડ
આ મેચમાં અભિષેકે વધુ એક અદભુત સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે મેદાન પર આવ્યા બાદ સામનો કરેલા પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. T20I ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વખત પોતાના પહેલા જ બોલ પર સિક્સ ફટકારવાના મામલે અભિષેક શર્મા પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી પોતાની T20I કારિયરમાં આ કારનામું 7 વખત કરી બતાવ્યું છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
સંજુ સેમસન સાથે મળીને અભિષેકે પ્રથમ વિકેટ માટે માત્ર 5.5 ઓવરમાં 93 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી અને ટીમને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ભલે અભિષેક મોટી ઇનિંગ ન રમી શક્યો, પરંતુ તેના આ રેકોર્ડ્સે ક્રિકેટ જગતમાં મોટો સંદેશ આપી દીધો છે કે તે ભવિષ્યનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે.
