Chhota Udepur : દારૂ ભરેલી કાર ટ્રક સાથે અથડાઈ, બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂની રેલમછેલ

📅 Published: October 22, 2026 | 📂 Category: Crime

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી-રાજપીપળા હાઈવે પર વણિયાદ્રી ગામ નજીક નર્મદા કેનાલ પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર વેરાઈ ગયો હતો. કારમાં રહેલા દારૂના ટીન જોરદાર ટક્કરને કારણે તૂટી જતાં સમગ્ર હાઈવે પર દારૂ રેલાયો હતો. ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

દારૂ ભરેલી કારની ટ્રક સાથે ટક્કર

મળતી વિગતો અનુસાર બોડેલી-રાજપીપળા સ્ટેટ હાઈવે પર વણિયાદ્રી ગામના પાટિયા પાસે નર્મદા કેનાલ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. 

મોટાભાગના દારુના ટીન ફાટી ગયા

આ ટક્કર એટલી ભીષણ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં રહેલો વિદેશી દારૂનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. કારમાં દારૂના ટીન ભરેલા હોવાથી અકસ્માતની અસરથી મોટાભાગના ટીન ફાટી ગયા હતા અને હાઈવેના માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી.

કારચાલકને ગંભીર ઈજાઓ

અકસ્માતની આ ઘટના બનતાં જ આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં હાઈવે પર લોકોનાં મોટાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રસ્તા પર દારૂનો જથ્થો વેરાયેલો જોઈને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી.

બોડેલી પોલીસ પણ સ્થળ પર પહોંચી

આ અકસ્માત અંગેની જાણ થતાં જ બોડેલી પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવે પર થયેલી ભીડને દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત કાર તેમજ રસ્તા પર વેરાયેલા વિદેશી દારૂના જથ્થા અંગે વિગતવાર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ વિદેશી દારૂ ક્યાંથી લવાયો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસે કવાયત હાથ ધરી છે. બોડેલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

                                +


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *