20 ઓક્ટોબરના રાત્રિના સમયે આશરે 8:45 વાગ્યે અમદાવાદના CTM એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે સામાન્ય દિવસોની જેમ જ વાહનોની અવરજવર ચાલુ હતી, પરંતુ હાઈવેની આસપાસ સાદા કપડાંમાં તૈનાત 30 જેટલા પોલીસકર્મીઓની આંખો માત્ર એક કારની રાહ જોઈ રહી હતી જે દિલ્હી પાસિંગની કાળા કલરની એક XUV કાર હતી. જેવી આ XUV કાર ટોલનાકા પાસે ધીમી પડી કે અંધારામાં છૂપાયેલા પોલીસ અધિકારીઓએ એકબીજાને ઈશારો કરી દીધો હતો. ક્ષણભરમાં પોલીસની ગાડી XUV કારની આગળ આવીને ઉભી રહી ગઈ કે અંદર બેઠેલા ત્રણેય શખ્સોને પલક ઝપકાવવાનો પણ મોકો ન મળ્યો. ચારેય તરફથી ઘેરાયેલી કારમાંથી ડ્રાઈવર અને અન્ય બે સાથીઓને નીચે ઉતારી તેમના ફોન જપ્ત કરાયા. ગાડીની તલાશી શરૂ થઈ ત્યારે પ્રથમ નજરે માત્ર મુસાફરીનો સામાન દેખાતો હતો, પરંતુ સીટની નીચે તપાસ કરતા બ્રાન્ડેડ ચોકલેટના પેકેટ્સ અને પાછળની સીટમાંથી એનર્જી ડ્રિંક્સની બોટલો મળી આવી હતી. શંકાના આધારે તપાસ કરતા તેમાંથી 25 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ અને અફઘાની હેરોઈન મળી આવ્યું હતું. આરોપીઓને લાગતું હતું કે, તેમનો પ્લાન ફૂલપ્રૂફ છે કારણ કે, તેમણે ડ્રગ્સ અને હેરોઈન ચોકલેટ રેપર્સ અને એનર્જી ડ્રિંક્સની બોટલોમાં સંતાડ્યું હતું, પરંતુ એક નાનકડી બાતમીએ તેમના ફૂલપ્રૂફ પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીને બાતમી મળી
સુરત પોલીસ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર કાર્ટેલને પકડવા વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાને એક બાતમી મળી કે, ડ્રગ્સ કેસમાં વર્ષોથી જેલમાં કેદ અને પેરોલ પર છૂટેલો કફીલ એહમદ અંસારી કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરી રહ્યો છે. જેથી પોલીસે તેના પર નજર રાખવાની શરૂ કરી હતી. કફીલ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યો
આ દરમિયાન કફીલ અંસારી ડ્રગ્સની મોટાપાયે હેરાફેરી કરવાની ફિરાકમાં હોય તેની જાણ થઈ હતી. ડીસીપી રોજીયાને પાક્કી બાતમી મળી હતી કે, કફીલ દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યો છે જે અમદાવાદ થઈ રાજકોટ લઈ જવાનો છે. જેથી ડીસીપી ભાવેશ રોજીયાએ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આ અંગે જાણ કરી હતી. અમદાવાદ CPની ક્રાઈમ JCP અને DCP સાથે મિટિંગ
માહિતી મળતા જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઈમ જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજીયન સાથે મિટિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પી.એમ ધાકડા અને વી.બી. આલની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી. બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ.એન. પરમાર પણ તેમની ટીમ સાથે અમદાવાદ પહોંચ્યા હતા. પોલીસની ત્રણ ટીમ 200-200 ફૂટના અંતરે ગોઠવાઈ ગઈ
20 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમ અલગ અલગ છ જેટલી ગાડીઓમાં CTM એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે પહોંચી હતી. ત્રણેય ટીમના પીઆઇ અને તેમના માણસો 200-200 ફૂટના અંતરે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈને ઊભા હતા. પોલીસ અધિકારીઓ દિલ્હી પાસિંગની કાળા કલરની XUV કારની રાહ જોઈ રહ્યા હતા. XUV કાર આવતા જ ત્રણેય PIએ એકબીજાને ઈશારો કર્યો
આ દરમિયાન રસ્તામાં આવતી શંકાસ્પદ ગાડીઓ ઊભી રાખી તપાસ પણ કરવામાં આવી રહી હતી. લગભગ 8:45 વાગ્યાની આસપાસ એક XUV કાર આવી હતી. જેને જોઈને ત્રણેય પીઆઇએ એકબીજાને ઈશારો કરી દીધો હતો. ત્રણેય પીઆઇની ટીમ ગાડી ઊભી રખાવવા ગોઠવાઈ ગઈ હતી. XUV કાર આવતા જ પોલીસની ગાડી આગળ ઊભી રાખી રોકી દેવામાં આવી હતી. ત્રણેય શખ્સોને કારમાંથી નીચે ઉતારી પૂછપરછ શરૂ કરી
ચારેય તરફથી XUV કારને ઘેરી લેવામાં આવી હતી. પોલીસે ઓળખ આપીને કારમાંથી ડ્રાઈવર અને અન્ય બે શખ્સોને નીચે ઉતારવામાં આવ્યા હતા. ત્રણેયના નામ પૂછીને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કારની તલાશી લેતા સીટની નીચેથી ચોકલેટના પેકેટ મળ્યા હતા, જ્યારે પાછળની સીટમાં એનર્જી ડ્રિંક્સની બોટલો ભરેલો થેલો મળ્યો હતો. ચોકલેટના પેકેટ્સ અને એનર્જી ડ્રિંક્સની બોટલમાંથી ડ્રગ્સ મળ્યું
શંકા જતાં પોલીસે ચોકલેટના પેકેટ બહાર કાઢી તોડીને જોતા અંદરથી હેરોઈન અને ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત એનર્જી ડ્રિંક્સની બોટલોમાંથી પણ ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવી તપાસ કરાઈ હતી. વહેલી સવારે ડ્રગ્સનો રિપોર્ટ આવતા પોલીસ દ્વારા ડ્રગ્સની ગણતરી કરવામાં આવી અને લગભગ 25.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. અમદાવાદના બે અને સુરતના એક PIની ટીમોની 22 કલાક તૈનાત
21 ઓક્ટોબરનો આખો દિવસ ડ્રગ્સ પરીક્ષણ, ગણતરી અને પંચનામું કરવામાં પસાર થયો હતો. લગભગ સાંજે 5 વાગ્યા સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ પોલીસે રાતે 8 વાગ્યા આસપાસ ફરિયાદ નોંધી હતી. PI ધાકડા અને તેમની ટીમના 7 લોકો, PI વી.બી. આલ અને તેમની ટીમના 7 લોકો અને સુરત PI એસ.એન. પરમાર અને તેમની ટીમના 5 લોકો આ કાર્યવાહી દરમિયાન સતત 22 કલાક સુધી હાજર રહ્યા હતા. આરોપીઓ ડ્રગ્સનો જથ્થો રાજકોટના અસલમને આપવાના હતા
22 કલાકના ઓપરેશન બાદ મુદ્દામાલ અને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીથી લઈને નીકળ્યા હતા. જે રાજકોટના અસલમને આપવાના હતા. આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સપ્લાય થવાનો હતો. પૈસા કોણ અને કેવી રીતે આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ
આ ડ્રગ્સના પૈસા કોણ અને કેવી રીતે આપવાના હતા તથા ડ્રગ્સના પૈસાથી દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ પણ વાંચો: અફઘાની હેરોઈન અને એમપી-રાજસ્થાનનું MD ગુજરાત આવ્યા’ને UP-દિલ્હીના 3 ઝડપાયા
CTM એક્સપ્રેસ-વે પર XUV આવતા જ શરૂ થયું ઓપરેશન 'ચોકલેટ':અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમના અંદરો અંદર ઇશારા, કારની સીટ ખોલતા જ ત્રણ શખ્સનો ખેલ ખલાસ કર્યો
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
