હું રાજકારણમાં છું, લોકોની સેવા કરું છું, તેમકહી અડપલાં કર્યા:કોલેજમાં ભણતી યુવતીની સારવાર કરાવવાના બહાને યુવકે વિશ્વાસ જીત્યો, કારમાં અયોગ્ય વર્તન કરતાં યુવતી ભાગી, અભયમની મદદથી પોલીસમાં અરજી કરી

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

વડોદરામાં PGમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પીછો કરવામાં આવતો હોવાની ફરિયાદ અભયમ 181 મહિલા હેલ્પલાઇનને મળતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવકે યુવતીનો પીછો કરી મદદના બહાને કારમાં બેસાડી અડપલાં કર્યા હતા. તબિયત ખરાબ હોવાનું જાણીને સારવાર કરાવવાના બહાને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને કારમાં અયોગ્ય વર્તન કરતાં યુવતી ભાગી ગઈ હતી. યુવતીના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં તે રસ્તા પર ઊભી રહી Rapido બુક કરાવી રહી હતી, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ફોર-વ્હીલર લઈને તેની પાસે આવ્યો હતો અને મદદની ઓફર કરી હતી. યુવકે પોતે રાજકારણમાં હોવાનું અને લોકોની સેવા કરતો હોવાનું કહી તેણે યુવતીની તબિયત વિશે પૂછપરછ કરી હતી. યુવતીએ સરકારી હોસ્પિટલની દવા લીધી હોવાનું જણાવતાં આરોપી વ્યક્તિએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની અને ઓળખાણના ડૉક્ટર પાસે લઈ જવાની વાત કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ તે વ્યક્તિ યુવતીને વારંવાર મળવા બોલાવતો હતો. યુવતીનું હિમોગ્લોબિન ઓછું હોવાનું કહી સારી જગ્યાએ સારવાર કરાવવાના બહાને યુવકે યુવતીને કારમાં બેસાડી હતી. કારમાં વાતચીત દરમિયાન તેણે યુવતીનો હાથ જોરથી દબાવ્યો હતો અને ત્યારબાદ અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગભરાયેલી યુવતીએ તાત્કાલિક કારનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગઈ હતી અને હોસ્ટેલમાં પહોંચી ગઈ હતી અને તે વ્યક્તિનો નંબર બ્લોક કરી દીધો હતો. જોકે, ફરી રસ્તામાં યુવક મળ્યો હતો અને યુવતીને મૂકી જવાની ઓફર કરી હતી. યુવતીએ ઇનકાર કરીને 181 હેલ્પલાઇન પર ફોન કરતાં યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીના મોબાઇલમાં તે કારનો ફોટો પણ ઉપલબ્ધ હોવાથી તેની સલામતીને ધ્યાનમાં રાખીને ટીમે નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે અરજી કરાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *