Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં 142 જેટલી જગ્યાની ભરતી છેલ્લા એક વર્ષથી ઘોંચમાં, સરકારની મંજૂરીમાં વિલંબ

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત યુનિવર્સિટીમાં દિવ્યાંગ સહિત કુલ 142 જેટલી જગ્યા માટે હાથ ધરાયેલી ભરતી છેલ્લા એક વર્ષથી શિક્ષણ વિભાગની મંજૂરીના અભાવે ઘોંચમાં પડી છે. યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં મંજૂરી ન આપી સરકાર હજારો બેરોજગાર ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.કારણ કે, પ્રિલિમ્સ પાસ કર્યા બાદ અંદાજે 5 હજાર જેટલા ઉમેદવારો ગત એપ્રિલ મહિનામાં મુખ્ય પરીક્ષા આપીને નિમણૂકની રાહમાં છેલ્લા 6 મહિનાથી રઝળપાટ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત ઓગસ્ટ-2025માં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી.

15 માર્ચના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી

ક્લાર્ક સહિતની જગ્યાઓ માટે યુનિવર્સિટી દ્વારા 14 અને 15 માર્ચના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં અંદાજે 5400થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.પ્રિલિમ્સ પાસ કરનારા ઉમેદવારોની 29 અને 30 એપ્રિલના રોજ મેઈન્સ પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં 5 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટી દ્વારા મંજૂરી અર્થે ફાઈલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી હતી.કારણ કે,અગાઉ 167 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીએ પોતે કરી દેતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. 

તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે

આ વખતે આ પ્રકારનો વિવાદ ન થાય તે માટે યુનિવર્સિટીએ સરકારની અગાઉથી મંજૂરી માગી છે,પરંતુ આટલો લાંબો સમય વીતવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી અંગેની મંજૂરી આપવાની તસ્દી લેવામાં આવી નથી.યુનિવર્સિટી અને સરકારની વહીવટી પ્રક્રિયામાં જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપીને બેઠા છે તેમની સ્થિતિ અત્યંત દયનીય બનતી જાય છે અને સરકાર તેમના ભાવિ સાથે ચેડાં કરી રહી હોવાના આક્ષેપો થયા છે.જોકે બીજી તરફ આ જ શિક્ષણ વિભાગ દ્વારા ગત જાન્યુઆરીમાં એક પરિપત્ર દ્વારા રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ખાલી પડેલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. 

શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપી

શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે,નાણાં વિભાગ દ્વારા જે જગ્યાઓ જે પગારધોરણમાં મંજૂર કરવામાં આવેલી હોય તે જગ્યાઓ પર જે-તે નાણાકીય વર્ષમાં જ ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીઓએ પૂર્ણ કરવાની રહેશે.યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે જો આ જગ્યાઓ સ્થગિત કે રદ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના કુલસચિવની રહેશે.આમ એક તરફ ઝડપથી ભરતી કરવાની સૂચના અને બીજી તરફ ભરતીની મંજૂરીમાં વિલંબ કરવાની શિક્ષણ વિભાગની બેધારી નીતિ સામે આવી છે.

આ પણ વાંચોઃ Jaipur : પત્ની કારણ વગર શારીરિક સંબંધ ન બાંધે તો માનસિક ક્રૂરતા ગણાય: હાઇકોર્ટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *