ગાંધીનગરના કોલવડા ગામના ખેડૂતે વ્યાજખોરના અસહ્ય ત્રાસ અને દબાણથી કંટાળીને ગત મહિને પોતાના જ ખેતરના બોરકુવા પર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું હતું. આ પ્રકરણમાં પેથાપુર પોલીસે મૃતકના કબાટમાંથી મળી આવેલી બે પાનાની સુસાઇડ નોટ અને દસ્તાવેજોના આધારે જીઆઈડીસીમાં ચાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું છે સમગ્ર ઘટના?
ગાંધીનગરના કોલવડા ગામના વતની જગદીશ જયંતિ પટેલ ગત 6 સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ખેતરના બોરકુવા પર જવાનું કહીને ઘરથી નીકળ્યા હતા. સાંજે ઘરે ફોન કરી તેઓ બોર પર જ રોકાવાના હોવાનું જણાવી બીજા દિવસે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સવારે તેમના ભાઈ પરેશ બોરકુવા પરના મંદિરે દર્શને ગયા હતા. ત્યારે જગદીશ ખાટલા પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમની બાજુમાં જ જંતુનાશક દવાઓની બોટલ પડેલી હતી. જેના પગલે પરિવારજનો તેમને તાત્કાલિક સેક્ટર-22ની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે સેક્ટર-6 ની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. પત્નીને કબાટના ડ્રોવરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી
પતિના અવસાન બાદ લૌકિક ક્રિયાઓ પૂર્ણ થયા પછી ગત 15 સપ્ટેમ્બરના રોજ પત્ની શર્મીલાબેન ઘરમાં સામાન ગોઠવી રહ્યા હતા. ત્યારે કબાટના ડ્રોવરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે સ્પષ્ટ લખ્યું હતું કે, સેક્ટર-4 સીમાં રહેતા અને જીઆઈડીસીમાં ચાની લારી ચલાવતા કરણસિંહ શંકરજી ડાભી પાસેથી તેમણે રૂ. 24.50 લાખ વ્યાજે લીધા હતા. આ રકમની સામે વ્યાજખોરે ગેરંટી પેટે કોલવડા નજીક આસોડા ગામની સીમમાં આવેલી તેમની પાંચ વીઘા જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. 10 લાખના 4 ટકા, 5 લાખના 10 ટકા વ્યાજ નિયમિત ચૂકવતા હતા
ઉપરાંત સુસાઇડ નોટમાં વ્યાજની વિગતો પણ લખી હતી. જેમાં 10 લાખના 4 ટકા, 5 લાખના 10 ટકા, 1.50 લાખના 10,000 અને 8 લાખના 3 ટકા લેખે વ્યાજ નિયમિત ચૂકવવામાં આવતું હોવાનો ઉલ્લેખ હતો. આમ છતાં વ્યાજખોરની ભૂખ ન સંતોષાતા તે છેલ્લા છ મહિનાથી સતત જગદીશને દોડધામ કરાવતો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો
જ્યારે આપઘાત પહેલાના દસ-પંદર દિવસથી વધુ નાણાં માટે અસહ્ય ત્રાસ આપી રહ્યો હતો. પરિવારજનો પાસેથી છુપાઈને ઘરના સભ્યો પાસેથી પૈસા લાવીને વ્યાજ ભરવા છતાં તેનો ત્રાસ યથાવત રહેતા આખરે જગદીશે આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતકની પત્ની શર્મીલાબેને આ સમગ્ર બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. આ મામલાની તપાસના અંતે પોલીસે વ્યાજખોર કરણસિંહ શંકરજી ડાભી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરીના ત્રાસથી કંટાળી પ્રૌઢે ઝેર ગટગટાવ્યું:ગાંધીનગરમાં ચાની લારી ચલાવતા વ્યાજખોરે 24.50 લાખની સામે પાંચ વિઘા જમીન લખાવી લીધી, સુસાઇડ નોટ મળતા ગુનો નોંધાયો
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
