બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નશામુક્તિ કેન્દ્રની આડમાં ચાલતા નશીલી દવાઓના ગેરકાયદે વેપારનો રાજસ્થાનની બાડમેર પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. બાડમેર પોલીસે કાર્યવાહી કરીને બનાસકાંઠાના ડીસા ખાતેના એક ડોક્ટર સહિત કુલ ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બાડમેર પોલીસની મોટી કાર્યવાહી, 16,800 નશીલી ટેબ્લેટ્સ જપ્ત
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે બાડમેર પોલીસે ગત 3 જાન્યુઆરીના રોજ દરોડા પાડીને કુલ 16,800 નશીલી ટેબ્લેટ્સ જપ્ત કરી હતી. આ નશીલી દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેના તાર સીધા બનાસકાંઠાના ડીસા સુધી પહોંચ્યા હતા.
ડૉ. સમ્રાટ પોપટ સહિત આ આરોપીઓની ધરપકડ
બાડમેર પોલીસે સઘન તપાસના અંતે ડીસાના કુખ્યાત ડૉ. સમ્રાટ પોપટ સહિત ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ખત્રી, ચંદ્રેશ કુમાર અને પાથાવાડાના ચિરાગગિરી ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ નશામુક્તિ કેન્દ્રની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જેસલમેર અને મહેસાણા સુધી ફેલાયેલું હતું નેટવર્ક
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ આરોપીઓ માત્ર ડીસા કે બાડમેર પૂરતા મર્યાદિત ન હતા, પરંતુ તેઓ રાજસ્થાનના જેસલમેર અને ગુજરાતના મહેસાણામાં પણ નશામુક્તિ કેન્દ્રો ચલાવતા હતા. આ નશામુક્તિ કેન્દ્રોની ઓથે જ નશીલી દવાઓનું આંતરરાજ્ય નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગળની તપાસ અને સપ્લાય નેટવર્ક પર પોલીસની નજર
હાલમાં બાડમેર પોલીસ દ્વારા આ નશીલી દવાઓ ક્યાં ક્યાં સપ્લાય થતી હતી અને આ રેકેટમાં અન્ય કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે અંગે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો: Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો
