ખોરજની કરોડોની જમીનનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે.ઠાકોર સમાજના ખેડૂતોની આ જમીન વેચાણ મામલે એક ખેડૂતનું ગત ઓગષ્ટમાં ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ખેડૂતના પત્નીએ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે.અપહૃત ખેડૂતનો હજુપણ કોઈ અત્તોપત્તો નથી.ખેડૂતની પત્નીએ આ મામલે કોંગી આગેવાન જગદીશ ઠાકોરનું નામ લઈ તેમની મદદથી આરોપીએ પોતાના પતિને ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ખોરજ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 232ની આ જમીન મામલાએ નવો વળાંક લીધો છે.આ જમીનમાં છ ખેડૂતોના નામે છે.જેમાં પોપટજી ચેહરાજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે.જમીન 16.38 વિઘા છે.જેની બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે.
પોપટજી ઠાકોરની પત્ની કાજલ ઠાકોરે ફરિયાદ નોંધાવી
ઉપરોક્ત જમીન મામલે પોપટજી ઠાકોરનું અપહરણ કરવામાં આવ્યું હોવાની તેમની પત્ની કાજલ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે.તેણે અડાલજ પોલીસ મથકમાં આ મામલે રવિ મનસુખભાઈ ઠાકોર,ગાબુ બબુભાઈ રબારી તથા બળદેવ રબારીના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ જમીન ત્રણ માસ પૂર્વે તેઓએ રતીલાલ ચતુરદાસ પટેલ તથા હરિશસિંહ ગોહિલને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.કુટુંબીજનોની સહમતીથી આ નિર્ણય લેવાયો હતો.જેની જાણ રવિ ઠાકોરને થઈ હતી. આથી રવિ ઠાકોરે કાજલ તથા પોપટજીને ધમકી આપી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રવિ ઠાકોરે કાજલ અને તેના પતિ પોપટજીને કહ્યું હતું કે, આ જમીન જગદીશ ઠાકોરને વેચાણ આપવાની છે. જગદીશ ઠાકોર સિવાયને આપશો તો જોવા જેવી થશે.
પોપટજીને જીવતા નહીં છોડવાની ધમકી આપી
પોપટજી ઠાકોર આ જમીન જગદીશ ઠાકોરને વેચાણ આપવા ઈચ્છતા નહતા.દરમિયાન ખેડૂતોએ ગત તા.29 ઓગષ્ટના રોજ ઉપરોક્ત જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનું નક્કી કર્યું હતું.પોપટજી ઠાકોર અને અન્ય ખેડૂતો દસ્તાવેજ કરી આપવા માટે ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં ધસી આવેલા રવિ ઠાકોર સહિતના અન્ય બે શખ્સોએ પોપટજી તથા તેમના સાળા હર્ષદ ઠાકોર સાથે માથાકૂટ કરી આ જમીનનો સોદો જગદીશ ઠાકોર સાથે નક્કી કર્યો છે તમારે આજે દસ્તાવેજ કરવાનો નથી કહીને બંને ખેંચીને લઈ જતા હતા ત્યારે કાજલ ઠાકોરે વચ્ચે આવતા તેને પણ ધમકી આપી વચ્ચે આવશો તો પોપટજીને જીવતા નહીં છોડવાની ધમકી આપી હતી.
સાળા હર્ષદને કારમાં બેસાડી અપહરણ કરાયુ
પતિના જાન પર જોખમ હોવાથી પત્ની કાજલ પાછી પડી હતી.ત્યારબાદ આ શખ્સો પોપટજી અને તેમના સાળા હર્ષદને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. રાત્રે હર્ષદ ઠાકોર ઘરે એકલો આવ્યો હતો. તેને અપહરણકર્તાઓએ અડાલજ વૈષ્ણોદેવી પાસે ઉતારી દીધો હતો.હજુ સુધી પોપટજી ઠાકોરનો કોઈ પત્તો નથી.પતિની જાન પર જોખમ હોવાથી કાજલ ઠાકોરે આ મામલે અદાલત પોલીસના દ્વાર ખખડાવ્યા છે.કાજલ ઠાકોરે પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે,રવિ ઠાકોરે પોતાના પતિ પોપટજીને જગદીશ ઠાકોરની મદદથી ક્યાંક ગોંધી રાખ્યા છે.આ મામલે અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.
જમીન મામલે જગદીશ ઠાકોરે શું કહ્યું?
આ મામલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સોશિયલ મીડિયા પર પોલીસ પર ખેડૂતોને ધમકાવવાનો આક્ષેપ કર્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે,ઠાકોર સમાજના ખેડૂતોની આ જમીન પરિવારમાં નાના મોટા વિવાદોનો લાભ લઈને 30 ટકા ભાગીદાર હતા તેવા લોકોની બોલાવીને દસ્તાવેજ કરવામાં આવ્યો છે.માત્ર ચાર કરોડોમાં આ જમીનનો સોદો નક્કી થયો છે.થોડા ચેક, રોકડા આપ્યા છે.બધા ખેડૂતોએ સોદો નહોતો કર્યો.જમીન નહોતી વેચી તેવા બધા જ ખેડૂતોને બોલાવી લેવામાં આવ્યા હતા.જ્યારે ખેડૂતોને દસ્તાવેજ થઈ રહ્યો છે તેવી ખબર પડતા ત્યારે માત્ર બે જ ખેડૂતોએ સહી કરી બાકીના ખેડૂતો સહિ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા.
જગદીશ ઠાકોરે પોલીસ પર આક્ષેપ કર્યો
જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે,આ ખેડૂતોને પોલીસ ધમકી આપે છે.સોમનાથ, દ્વારકા સુધી તેમની વોચ ગોઠવી છે.ગાંધીનગરના પોલીસ અધિકારીઓ ખેડૂતને ત્યાંથી ઉઠાવી લાવી સહી કરાવે છે.પરંતુ બીજા ખેડૂતો માનતા નથી એટલે પોલીસની ધૌંસ વધે છે.આ મામલે પ્રથમ વખત તેઓને રવિ ઠાકોરે જાણ કરી હતી.રવિ ઠાકોરને જગદીશ ઠાકોર કોંગ્રેસનો પૂર્વ ઉમેદવાર ગણાવે છે.તેની મદદથી તેઓએ ખેડૂતોને મળ્યા હતા.જે ખેડૂતો બહાર હતા તેમની સાથે વિડિયો કોન્ફરન્સથી વાત કરાવી હતી. આ ખેડૂતોએ સમગ્ર આપવીતી જણાવી છે.આ મામલે તેમણે કોંગી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે પણ વાત કરી હોવાનું જણાવ્યું છે. સાથેસાથે ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોર, નટુજી, સાંસદ ભરતસિંહ ડાભી સાથે પણ વાત કરી હોવાનું જણાવી રસ્તો કાઢવાનું જણાવ્યું હતું જોકે, આ મેટર હજુ સોલ્વ થઈ નથી.
