Surat: ઉદ્યોગપતિઓના પ્રચંડ આક્રોશ સામે સરકાર ઝૂકી! DGVCL એ ‘સ્ટેગર ડે’ પાવરકાપનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો

📅 Published: October 23, 2026 | 📂 Category: Surat

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર અને કાપડ-હીરા ઉદ્યોગના વૈશ્વિક હબ ગણાતા સુરતમાં ઉદ્યોગકારોના ઉગ્ર વિરોધ અને રજૂઆતો બાદ આખરે સરકારે મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ઔદ્યોગિક ગ્રાહકો માટે અગાઉ જાહેર કરાયેલી ‘સ્ટેગર ડે’ (Stagger Day) મુજબની ફરજિયાત વીજકાપની વ્યવસ્થા આજથી જ તાત્કાલિક અસરથી રદ કરવાનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે. સામી દિવાળીએ પ્રોડક્શનની પીક સીઝન ચાલી રહી છે ત્યારે સરકારે આ આકરો નિર્ણય પાછો ખેંચી લેતાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતમાં ભારે હર્ષ અને રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.

સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ સંપૂર્ણપણે રદ

હવેથી સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો કોઈપણ જાતના વિક્ષેપ કે શટડાઉન વિના 24 કલાક સતત ચાલુ રાખવામાં આવશે.અગાઉ પીક લોડને પહોંચી વળવા માટે સાંજના 4:00 વાગ્યાથી લઈને રાત્રિના 12:00 વાગ્યા સુધી ઔદ્યોગિક એકમોમાં પાવરકાપ લાદવામાં આવતો હતો, જે વ્યવસ્થા હાયર ઓથોરિટીની કડક સૂચના બાદ સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. આ નિર્ણયની જાહેરાત સાથે જ તેને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી નાઈટ શિફ્ટ અને ઓવરટાઇમ કામ કરતા એકમોનું ઉત્પાદન અટકે નહીં.

સુરતમાં ઉદ્યોગપતિઓ સામે સરકાર ઝૂકી

સામી દિવાળીએ ઉદ્યોગ જગતને મળ્યો પ્રાણવાયુ

દિવાળીના તહેવારોને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના વિવિંગ, પ્રોસેસિંગ હાઉસ, ડાઇંગ પ્રિન્ટિંગ મિલો અને એન્જિનિયરિંગ એકમોમાં દેશભરમાંથી આવેલા ઓર્ડર્સ પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.’સ્ટેગર ડે’ અને સાંજના સમયે વીજળી ગુલ થઈ જવાના કારણે પ્રોડક્શન સાયકલ ખોરવાઈ જતી હતી અને ડિલિવરી મોડી થવાના ભયથી ઉદ્યોગ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.ઉદ્યોગ અગ્રણીઓની સચિવાલય અને ઉર્જા મંત્રાલય સુધીની રજૂઆતો બાદ સરકાર દ્વારા ઝડપી ડેમેજ કંટ્રોલ કરીને વીજકાપ રદ કરવાનો આદેશ અપાતાં લાખો શ્રમિકો અને વેપારીઓને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: Patan: હારીજમાં 11 વર્ષની માસૂમ બાળકીને ગરબા ચોકમાંથી ઢસડી જઈ આચર્યું દુષ્કર્મ; પિતાએ માઈક પર એનાઉન્સમેન્ટ કરતાં આરોપી ભાગ્યો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *