નવસારી જિલ્લામાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરમાં શસ્ત્રો કે હથિયારો લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં, આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા તત્વો સામે નવસારી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન જાહેરમાં ઘાતક ચપ્પુ, દંડા અને વાંસની લાકડીઓ લઈને ફરતા 20થી વધુ શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી ચપ્પુ સાથે ઝડપાયેલા આરોપીઓ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં વિવિધ જગ્યાઓએથી પોલીસે જાહેરમાં ચપ્પુ રાખીને રોફ જમાવતા કે શંકાસ્પદ રીતે ફરતા શખ્સોને પકડી પાડ્યા છે: તીઘરા નવી વસાહત: ખુલ્લા મેદાનમાંથી રિયાઝ યુસુફ શાહ (પ્લાસ્ટિકના હાથાવાળું ચપ્પુ), કરણ ચંદુભાઈ ઉધરેજીયા, વિજય ઉર્ફે ચિન્યો ધીરુભાઈ દેવીપૂજક અને ફેજલ મુનાફ ખાન અજીત ખાન પઠાણ ચપ્પુ સાથે પકડાયા. ગોલવાડ ચોકી: ચોકી સામે જાહેર રસ્તા પરથી મોહમ્મદ યુસુફભાઈ લાકડાવાળા અને હરિલાલ બાબરભાઈ પટેલ પાસેથી ચપ્પુ મળી આવ્યું. સ્ટેશન રોડ: જવાહર હોટલ સામેથી વિકાસ કેશવ શુકલ અને આર.જે.ડી. મોલ સામેથી સતીશ ઓમ પ્રકાશ શર્મા ચપ્પુ સાથે ઝડપાયા. અન્ય વિસ્તારો: વેરાવળ નાકા પાસેથી દોલતભાઈ કિશનભાઇ સિંધી, રિંગ રોડ સરકારી આવાસ પાસેથી અનિલ અશોકભાઈ મંડોલકર, ચાંદની ચોક પાસેથી ઉદયકાંત ઉમાશંકર પાંડે, શાંતાદેવી રોડ સહજાનંદ એક્સપોર્ટ પાસેથી સતિષભાઈ મંગુભાઈ રાઠોડ, ગેલકડી પાસેથી રાજુ શૈલેષભાઈ શાહ તથા રિક્ષા સ્ટેન્ડ પાસેથી કૌશિક મહેશભાઈ નાયકા પાસેથી ચપ્પુ જપ્ત કરી તેમની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ગણદેવી અને ચીખલીમાં લાકડી-દંડા સાથે ફરતા તત્વો સામે કાર્યવાહી જાહેરમાં લાકડીઓ કે દંડા લઈને લોકોને ભયભીત કરતા કે કાયદાનો અનાદર કરતા શખ્સો સામે તાલુકા પોલીસે પણ સપાટો બોલાવ્યો છે: ગણદેવી તાલુકો: ધનોરી નાકા ચાર રસ્તા પાસે વિશ્વનાથ રામ દયાળ યાદવ લાકડાનો ડંડો લઈને ફરતો ઝડપાયો. ખારેલથી ગણદેવી જતા જાહેર રોડ પરથી યોગ્ય ખુલાસો ન આપી શકનાર ઉમેશભાઈ દલારામ ચૌધરી અને વાંસની લાકડી સાથે શકીલ સલીમ શાહ સામે ગુનો નોંધાયો. આ ઉપરાંત, મટવાડ ગામ હળપતિ વાસ ખાતે જાહેર રસ્તા પરથી વાંસની લાકડીઓ સાથે સુનિલભાઈ વિનોદભાઈ હળપતિ તથા કાલભૈ ભીખુભાઈ હળપતિ સામે મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે. ચીખલી તાલુકો: મિયાઝરી ગામે ગાયકવાડ ફળિયા ખાતે જાહેરમાં દંડા લઈને આંટાફેરા મારતા આરોપી વિમલ ગાયકવાડ સામે પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું નિવેદન: નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે જાહેરનામાનો ભંગ કરનાર કોઈ પણ ઇસમ સામે કડક પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો રાખીને ફરતા શખ્સો સામે પોલીસની આ સ્પેશિયલ ડ્રાઇવ યથાવત રહેશે.
નવસારીમાં હથિયારબંધીનો ભંગ કરતા 20થી વધુ લોકો પકડાયા:પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં ચાકુ અને લાકડીઓ સાથે થયા ઝડપાયા, કેસ દાખલ
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
