ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં વિભાગ હેઠળની 800 સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે. આ માટે ગાંધીનગરમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) મારફતે વિવિધ એજન્સીઓને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટથી વાર્ષિક અંદાજે 31.94 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને રાજ્ય સરકારને દર વર્ષે આશરે રૂ. 2.50 કરોડના વીજ બિલની બચત થવાની અપેક્ષા છે. દરરોજ 8,750 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિભાગની આ પહેલથી પર્યાવરણનું જતન, વીજળીની બચત અને સરકારી નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ એમ ત્રણેય હેતુઓ સિદ્ધ થશે. પ્રસ્તાવિત સોલાર રૂફટોપ સિસ્ટમથી દરરોજ અંદાજે 8,750 યુનિટ અને વર્ષ દરમિયાન 31.94 લાખ યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ વ્યવસ્થાથી સરકારી કચેરીઓના વીજ ખર્ચમાં ઘટાડો થશે અને પરંપરાગત ઊર્જા પરનું અવલંબન પણ ઘટશે. માર્કેટિંગ યાર્ડના ડોમ અને ગોડાઉન પર પણ સોલાર પેનલ લાગશે
કૃષિ મંત્રી વાઘાણીએ આગામી આયોજન અંગે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં રાજ્યનાં માર્કેટિંગ યાર્ડના શેડ, ડોમ, ગોડાઉન અને સ્ટોરેજ સુવિધાઓને પણ ક્રમશઃ સોલાર આધારિત બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડના મોટા ડોમ પર સોલાર પેનલ લગાવવામાં આવે તો ત્યાં જ વીજળીનું ઉત્પાદન થઈ શકે અને વીજ બિલના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. SC-ST સહિતના વર્ગો માટે સોલાર રૂફટોપ પર ભાર
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ અપનાવવા માટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અલગ રકમની જોગવાઈ કરવામાં આવી છે. દરેક વ્યક્તિ સોલાર રૂફટોપ અપનાવી શકે તે દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે. અધિકારીઓ-કર્મચારીઓને ઘરે સોલાર લગાવવા અપીલ
વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પનો ઉલ્લેખ કરીને ઊર્જા સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવા અપીલ કરી હતી. તેમણે રાજ્યની સહકારી સંસ્થાઓ, કૃષિ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને અન્ય લોકોને પોતાના ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા તથા ઓછામાં ઓછા પાંચ અન્ય લોકોને પણ સોલાર અપનાવવા પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં સોલાર ઊર્જાનો ઉપયોગ વધારવાની સાથે નાગરિકો અને સહકારી સંસ્થાઓ પણ આ દિશામાં આગળ આવે તો સ્વચ્છ ઊર્જાના ઉપયોગને વધુ વેગ મળી શકે છે. 2026-27માં 2.5 મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરાશે
પશુપાલન અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન અંદાજે 2.5 મેગાવોટ એટલે કે 2,500 કિલોવોટની સોલાર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આ યોજના હેઠળ કૃષિ સંશોધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, યુનિવર્સિટીઓ, પશુરોગ અન્વેષણ કેન્દ્રો, પશુ દવાખાનાં, નર્સરીઓ અને વિભાગ હેઠળની અન્ય સરકારી સંસ્થાઓને આવરી લેવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયો LOI એનાયત કાર્યક્રમ
ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. GEDAના નિયામક ડી. કે. પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર બી. કે. જોશી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ખેતી નિયામક આર. પી. રાજપૂત, બાગાયત નિયામક, આત્મા નિયામક સહિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની 800 સરકારી કચેરીઓ સોલારથી સજ્જ કરાશે:જીતુ વાઘાણીએ કહ્યું-'સોલર રૂફટોપ દરેક વ્યક્તિ લાગવી શકે છે, SC-ST માટે અલગ રકમની જોગવાઈ'
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
