નવી ઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત ફ્લોપ જતાં રાજકારણ ગરમાયું.:અંદાજે પોણા ત્રણ કરોડના ખર્ચે બનનાર ઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત ફ્લોપ ગયું, મેયરે કહ્યું કર્મચારીઓની ભૂલના કારણે આ થયું,છેલ્લી ઘડીએ રદ થતાં વિવાદ સર્જાયો.

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના પોતાના વોર્ડ નંબર 4 માં આજે સવારના જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એક મહત્વપૂર્ણ વિકાસ કામના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા. પરંતુ, થોડીવાર બાદ તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને ધારાસભ્ય કોઈ પણ પ્રકારનું ખાતમુહૂર્ત કર્યા વગર જ ત્યાંથી પાછા ફરી ગયા હતા. મંડપ અને અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ તથા કર્મચારીઓની ભૂલ કે પદાધિકારીઓની અણઆવડતના કારણે આ આયોજન છેલ્લી ઘડીએ ખોરવાઈ ગયું હતું, ત્યારે મેયર ધર્મેશ પોશીયા એ કર્મચારીઓ પર દોષનો ટોપલો ધોડી દીધો હતો.જેને લઈને આજે સવારે યોજાયેલું આ ખાતમુહૂર્ત સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયું હતું. હવે આ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થનારા વિકાસકાર્યનું નવું ખાતમુહૂર્ત ક્યારે થશે તે મોટો પ્રશ્ન બન્યો છે, જેના કારણે આખો પ્રસંગ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ​આ સમગ્ર વિવાદ અંગે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે ખલીલપુર રોડ પર ખોડલધામ ટાઉનશિપની બાજુમાં અગાઉ જૂની ઝોનલ ઓફિસ હતી, જેને છેલ્લા ત્રણ વર્ષથી ફેરવીને ગાંધી ચોક લઈ જવાતા જોશીપરા વિસ્તારના અસંખ્ય નાગરિકોને વેરો ભરવા, નામ ટ્રાન્સફર કરવા કે અન્ય સુવિધાઓ માટે લાંબા અંતર સુધી ભારે પરેશાની વેઠવી પડે છે. એક તો રેલવે ઓવરબ્રિજ બંધ છે અને તેમાં આ હાલાકી વધતા અગાઉ જનરલ બોર્ડમાં રજૂઆતો કરાઈ હતી. આજે અંદાજે પોણા ત્રણ કરોડના ખર્ચે નવી ઓફિસનું ખાતમુહૂર્ત રદ થવું એ તંત્રની ગંભીર બેદરકારી છે. મંડપ નથી અને આંતરિક ડખા તથા સંકલનના અભાવે કાર્યક્રમ રદ કરાયો તે અત્યંત શરમજનક છે. ​બીજી બાજુ, આ તમામ આક્ષેપોને ફગાવતા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 માં વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. વિકાસના કામો વેળા વિપક્ષ પાસે માત્ર આક્ષેપો જ કરવાનું કામ હોય છે. કર્મચારીઓની નાની ભૂલના કારણે આજનો કાર્યક્રમ મોકૂફ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ત્યાં જ વહેલી તકે ખાતમુહૂર્ત કરીને લોકોને નવી ઝોનલ ઓફિસ ફાળવવામાં આવશે જેથી ફાટક ટપીને ધક્કા ખાવા ન પડે. મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે નિર્ધારિત સમયે હાજર હતા, પરંતુ વિપક્ષી નેતાઓ ત્યાં આવ્યા નહોતા અને માત્ર મીડિયા સમક્ષ ભાષણબાજી કરી રાજકીય વાહવાહ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભાજપ હંમેશા પ્રજાની પડખે ઊભું રહે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *