ચિલોડા પોલીસની કાર્યવાહી:ગાંધીનગરના ચંદ્રાલા નાકાપોઇન્ટથી બસમાંથી 20 વર્ષીય યુવક પિસ્તોલ-કારતૂસ સાથે ઝડપાયો, 30 હજારનો મુદ્દામાલ જપ્ત

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ મથકની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસ સ્ટાફ ચંદ્રાલા ગામની સીમમાં આવેલી આગમન હોટલ સામે નાકા પોઇન્ટ બનાવી શંકાસ્પદ વાહનોની સઘન ચકાસણી કરી રહ્યો હતો. તે દરમિયાન દિલ્હીથી રાજકોટ તરફ જઈ રહેલી ‘ગુજરાત ટ્રાવેલ્સ’ ની ખાનગી સ્લીપર કોચ બસ ત્યાં આવી પહોંચતાં પોલીસે તેને સાઈડમાં રખાવી હતી. બસના ડ્રાઇવર અને કંડક્ટરની પ્રત્યક્ષ હાજરીમાં સ્લીપર કોચમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જરોના સામાનનું બારીકાઈથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. થેલામાં કપડાં વચ્ચે સંતાડેલી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળ્યા
બસની ખાલી સાઈડની સીટ નંબર W પર બેઠેલા એક યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેના કબજામાં રહેલા ગ્રે કલરના થેલાની તપાસ કરી હતી. આ થેલામાં કપડાંની અંદર કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને છુપાવવામાં આવેલી એક લોખંડની દેશી બનાવટની પિસ્તોલ તેમજ પીત્તળની કેપ વાળા જીવતા કારતૂસ મળી આવ્યા હતા. મુસાફર પાસેથી ગેરકાયદેસર હથિયાર મળતાં જ પોલીસ કાફલો ચોંકી ઊઠ્યો હતો અને તાત્કાલિક મુસાફરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. મોરબીના 20 વર્ષીય યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
પોલીસ પૂછપરછમાં પકડાયેલા યુવકે પોતાની ઓળખ મૂળ મોરબી જિલ્લાના નારણકા ગામના 20 વર્ષીય ધ્રુવ દિનેશભાઈ મેરજા (પટેલ) તરીકે આપી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી ધ્રુવ મેરજા વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ₹25,000ની કિંમતની મેગઝીન વાળી હાથ બનાવટની પિસ્તોલ તેમજ ‘KF 7.65’ માર્કાવાળા 5 નંગ જીવતા કારતૂસ (કિંમત ₹5,000) મળી કુલ ₹30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનું હતું
પ્રાથમિક દ્રષ્ટિએ આટલી નાની વયનો યુવક દિલ્હી તરફથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રાજકોટ તરફ મુસાફરી કરી રહ્યો હોવાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તે કયા રાજ્યમાંથી લાવ્યો હતો, કોઈ મોટા હથિયાર સપ્લાયર પાસેથી ખરીદવામાં આવ્યું હતું કે કેમ, તેમજ સૌરાષ્ટ્રમાં આ હથિયાર કોને ડિલિવર કરવા માટે લઈ જઈ રહ્યો હતો તે તમામ પાસાંઓ પર પોલીસ ઊંડાણપૂર્વક રિમાન્ડ મેળવી તપાસ ચલાવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *