અમદાવાદના વટવા વિસ્તારમાં નજીવી બાબતમાં અદાવત રાખીને એક વેપારી પર ચાર શખ્સોએ જાહેરમાં લાકડાના દંડા વડે હુમલો કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. પોતાના કારીગરને રસ્તામાં રોકીને હેરાન કરવા બાબતે વેપારીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વેપારી પર તૂટી પડી માથા અને પીઠના ભાગે દંડાના ફટકા માર્યા હતા. આ સમગ્ર લોહિયાળ ઘટનાના CCTV સામે આવતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. મોડી રાત્રે પાણી લેવા ગયેલા કારીગર સાથે ઝઘડો કર્યો
ઘટનાની વિગતો અનુસાર, વટવાના શ્રીરામ નગર વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં ભંગારનો વેપાર કરતા અજીતભાઈ ગૌસ્વામીનો કારીગર પાર્થ ગત 20મી ઑક્ટોબરના રોજ મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના સુમારે પાણીની બોટલ લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં વિશાલ ચંદેશ્વર નામના શખ્સે પાર્થને રોકીને ‘તું કેમ અજીત સાથે રહે છે, તારે તેની સાથે રહેવાનું નથી’ તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. કારીગરે આ હકીકત પોતાના શેઠ અજીતભાઈને જણાવતાં અજીતભાઈએ વિશાલને ફોન કરીને પોતાના કારીગરને હેરાન કરવાનું કારણ પૂછ્યું હતું, જેને લઈને ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘર પાસે બોલાવી માથામાં દંડા ફટકાર્યા
ફોન પર થયેલી તકરારની અદાવત રાખીને થોડી જ વારમાં મુખ્ય આરોપી વિશાલ ચંદેશ્વર પોતાના સાગરીતો પિયુષ ચુનારા, અભિષેક ઉર્ફે અંડો અને જૈન ચુનારા સાથે અજીતભાઈના ઘર પાસે ધસી આવ્યો હતો. આરોપીઓએ વટવા સ્થિત એ.બી. સ્કૂલ પાસે અજીતભાઈને ઘેરી લઈને ગંદી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઉશ્કેરાયેલા વિશાલે પોતાની પાસે રહેલા લાકડાના જાડા દંડા વડે અજીતભાઈના માથા પર જોરદાર ફટકો મારી દીધો હતો, જ્યારે પિયુષે તેમની પીઠ પર લાકડાના દંડા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં વેપારીએ બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેથી ચારેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓને જેલભેગા કર્યા
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અજીતભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ અજીતભાઈએ આ હિંસક હુમલા અંગે વિશાલ, પિયુષ, અભિષેક અને જૈન વિરુદ્ધ વટવા પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTVના મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તાબડતોબ દરોડા પાડ્યા હતા અને ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
વટવામાં 4 શખ્સોએ વેપારીને દંડાથી ફટકાર્યો, CCTV સામે આવ્યા:કારીગરને રોકીને હેરાન કરવા બાબતે વેપારીએ શખ્સને પૂછતાં મામલો બિચક્યો
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
