Anand : બોરસદના કઠાણા અંબાજી મંદિર પાસે ઉપવનમાં વૃક્ષછેદનથી વિવાદ

📅 Published: October 23, 2026 | 📂 Category: Anand

બોરસદ તાલુકાના કઠાણા ગામે અંબાજી મંદિર પાસે બનાવવામાં આવેલા ઉપવનનાં વૃક્ષો કાપી નાખવામાં આવતાં સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. આ મામલે ગામના જાગૃત નાગરિક શંકરભાઈ સોલંકીએ બોરસદ વન વિભાગને રજૂઆત કરીને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે. આશરે બે વર્ષ પહેલાં અંબાજી મંદિર પાસે ઉપવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપવનમાં વિવિધ ફ્ળાઉ, ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિનાં રોપાં વાવવામાં આવ્યાં હતાં. જોકે, આ રોપાં પૂરાં વિકસે તે પહેલાં જ તેને કાપીને દૂર કરવામાં આવ્યાં હોવાની બાબત સામે આવી છે. કઠાણા અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ, મેળામાં આવતા લોકોને પાર્કિંગ તેમજ અવરજવરમાં સરળતા રહે તે હેતુથી વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં. આ કામગીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિની સૂચનાથી કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. જોકે, આ અંગે સત્તાવાર તપાસના અહેવાલના આધારે જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. બોરસદ વન વિભાગના અધિકારી કરમશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગત મહિને જરૂરી પુરાવા સાથે મળેલી રજૂઆતના આધારે સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ મામલે જરૂરી કાર્યવાહી માટે તપાસનો અહેવાલ મામલતદારને મોકલી આપવામાં આવ્યો છે. કઠાણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચના પતિ ચંદ્રેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મેળામાં આવતા લોકોને હળવા-ફરવામાં સરળતા રહે તે હેતુથી ઝાડી-ઝાંખરાં અને અવરોધરૂપ વૃક્ષો દૂર કરવા અંગે તાલુકા કક્ષાએ જાણ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *