નવરાત્રિ પૂર્ણ થયા બાદ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જામશે ગરબાનો માહોલ:1,000થી વધુ દિવ્યાંગજનો ગરબે ઘૂમશે, નાગરિકો માટે ફ્રી એન્ટ્રી

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ બાદ હવે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગરબાનો અનોખો માહોલ જામવા જઈ રહ્યો છે. AMC દ્વારા 24 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ‘કાંકરિયાના ગરબા’ મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અનોખા મહોત્સવમાં 1,000થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનો સહિત હજારો શહેરીજનો એકસાથે ગરબે રમશે. દિવ્યાંગજનોને સમાજની મુખ્ય સાંસ્કૃતિક ધારામાં જોડીને તેમનો ઉત્સાહ વધારવા અને તમામ નગરજનો પરંપરાગત ઉત્સવનો આનંદ સાથે માણી શકે તેવા ઉમદા હેતુ સાથે સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. બેઠક વ્યવસ્થા સાથે આકર્ષક સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કરાશે
લેકફ્રન્ટના રમણીય પરિસરમાં આયોજિત આ ઉત્સવમાં આવનારા ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મેદાનમાં મોટા રાઉન્ડમાં ગરબા રમવાની સાથે સાથે પરિવારજનો તેમજ મિત્રો નાના-નાના સમૂહોમાં બેસીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ નિહાળી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ નવતર પ્રયોગ દ્વારા કાંકરિયા લેકફ્રન્ટને પર્યટન ઉપરાંત સાંસ્કૃતિક ઉત્સવોના કેન્દ્ર તરીકે વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો છે. મંત્રીઓ, સાંસદો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવાશે ઉત્સવ
આ ગરિમાપૂર્ણ ગરબા મહોત્સવમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ તેમજ દિનેશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા સહિત ધારાસભ્યો અને મહાનુભાવો કાર્યક્રમમાં સહભાગી બની ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે. રેસ્ક્યૂ બોટ, મેડિકલ ટીમ અને પરંપરાગત પોશાકમાં પોલીસનો સંગાથ
મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિને ધ્યાને રાખીને સુરક્ષાના આકરા પ્રબંધો કરવામાં આવ્યા છે. સમગ્ર લેકફ્રન્ટ પરિસરમાં સીસીટીવી નેટવર્ક, સિક્યુરિટી ગાર્ડ્સ, પૂરતી લાઈટિંગ અને કોઈપણ કટોકટી માટે મેડિકલ ટીમો ખડેપગે રહેશે. તળાવના કિનારે સુરક્ષા સુનિશ્ચિત કરવા રેસ્ક્યૂ બોટ પણ તૈનાત રાખવામાં આવશે. આ સાથે મહિલા વિંગ સહિતનો પોલીસ કાફલો કાયદો-વ્યવસ્થા જાળવશે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહેશે કે સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમી ઉત્સવમાં રંગ પૂરશે. 6 ગેઈટ પરથી ફ્રી એન્ટ્રી, સફળતા મળ્યે આવતા વર્ષે નવરાત્રિમાં આયોજન
મહોત્સવમાં સહભાગી થવા ઇચ્છતા તમામ નગરજનો માટે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-1, 3, 4, 5, 6 અને 7 પરથી સંપૂર્ણ નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્યાંગોનું મનોબળ વધારવા અનુરોધ કરાયો છે. જો આ નવતર આયોજન સફળ રહેશે તો આગામી વર્ષે નવરાત્રિના નવેનવ દિવસ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગરબા મહોત્સવ યોજવા અંગે વિચારણા કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *